સર્બિઅન ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચે રવિવારે પેરિસના રોલાં ગેરોસ ખાતે ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં 3 કલાકથી વધુના સંઘર્ષ પછી કેસ્પર રડને 7-6, 6-3, 7-5થી હરાવી ત્રીજી વાર ફ્રેન્ચ ઓપનનો તાજ હાંસલ કર્યો હતો. આ સાથે, યોકોવિચે 23મું ગ્રાંડ સ્લેમ ટાઈટલ પ્રાપ્ત કર્યું હતું અને તે વિશ્વમાં સૌથી વધુ ગ્રાંડ સ્લેમ વિજેતા બની ગયો.
36 વર્ષના યોકોવિચે 7મી ફાઈનલ રમી રહેલા નોર્વેના હરીફને હરાવ્યા પછી તે 36 વર્ષ 20 દિવસની વયે આ તાજ જીતવા સાથે સૌથી વધુ વયનો ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન પણ બન્યો હતો. આ અગાઉ, 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ રફેલ નાડાલના નામે હતો. ચોકોવિચે આ વર્ષે આ સતત બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પ્રાપ્ત કર્યું છે. તેણે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ હાંસલ કર્યો હતો. તેના ટાઈટલ્સમાં 10 ઓસ્ટ્રેલિયન ઓપન, 7 વિમ્બલ્ડન અને 3-3 યુએસ ઓપન તથા ફ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે.