દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ પીરસાયેલી વિદ્યાર્થીઓની થાળીમાં મૃત ગરોળી નીકળતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. આ મામલે હોબાળો થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પિરસાયેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી હતી. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બનેલાં દાળ–ભાત વિદ્યાર્થીઓને પીરસાતાં એમાંથી ગરોળી નીકળી હતી. જોકે સમય સૂચકતા વાપરી શાળાએ તાત્કાલિક વિદ્યાર્થીઓને ભોજન ખાવાનું અને પીરસવાનું અટકાવ્યું હતું. નવસારી જિલ્લામાં એક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
ગરોળી ઝેરી હોવાથી તે જીવલેણ બની શકતી હોય છે. અહીં સદનસીબે સમયસર જાણ થતાં આવી કોઈ ઘટના હજુ સુધી નોંધાઈ નથી.