રૂ.3,250 કરોડના લોન ફ્રોડ કેસમાં CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર સામે ચાર્જશીટ સબમિટ કર્યાના બે મહિના પછી આ તપાસ એજન્સીએ બુધવારે વિશેષ અદાલતને જાણ કરી હતી કે સક્ષમ અધિકારી પાસેથી કાર્યવાહી માટે મંજૂરી મળી ગઈ છે.
ચંદા કોચરને જાહેર સેવક ગણવામાં આવે છે કારણ કે તેઓ ICICI બેંકના CEO હતા. બેંકના બોર્ડ પાસેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી માટે મંજૂરી માંગવામાં આવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે બેંકને કોઈ નુકસાન થયું નથી. ભૂતપૂર્વ બેન્કર, તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોન જૂથના સ્થાપક વીએન ધૂત વિરુદ્ધ સબમિટ કરાયેલ ચાર્જશીટમાં સીબીઆઈએ ભત્રીજા સૌરભ ધૂત અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, દત્તાત્રય કદમમૈ પણ આરોપી તરીકે નામ આપ્યા છે. ચાર્જશીટમાં 78 સાક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે લોનના બદલામાં વીડિયોકોન ગ્રૂપ પાસેથી દીપક કોચરની કંપની ન્યુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડે રૂ.64 કરોડ લાંચ લીધી હતી. એવો આરોપ છે કે રૂ. 300 કરોડની લોન વિડીયોકોન જૂથની એક પેઢીને આપવામાં આવી હતી અને વિતરણના 48 કલાકની અંદર રૂ. 64 કરોડ નુપાવર રિન્યુએબલ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
તપાસ એજન્સીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કેસમાં ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. આ પછી, બોમ્બે હાઈકોર્ટ દ્વારા જાન્યુઆરી 2023 માં દંપતીને જામીન આપવામાં આવ્યા હતા. એજન્સીએ વીડિયોકોન ગ્રુપના સ્થાપક વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરી છે.