ભારત 27 વર્ષ પછી સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડ 2023ની યજમાની કરવા સજ્જ બન્યું છે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને 8 જૂને જાહેરાત કરી હતી કે ભારત લગભગ ત્રણ દાયકાના અંતરાલ પછી 71મી મિસ વર્લ્ડ 2023 સ્પર્ધાનું આયોજન કરશે. આ અંગેની જાહેરાત કરવા માટે મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન અને સીઈઓ જુલિયા મોર્લી સાથે હાલની મિસ વર્લ્ડ કેરોલિના બિએલોસ્કા ગુરુવારે નવી દિલ્હી પહોંચ્યા અને ઉદ્ઘાટન પ્રેસ મીટમાં હાજરી આપી હતી.
જુલિયા મોર્લીએ કહ્યું કે, મને એ વાતની ખુશી થઇ રહી છે કે, 7માં મિસ વર્લ્ડ ફાઇનલનું આયોજન ભારતમાં કરવામાં આવશે. હું આ દેશમાં અંદાજિત 30 વર્ષ પહેલાં આવી હતી અને તે સમયથી જ ભારત માટે મારાં હૃદયમાં અલગ અને ખાસ સ્થાન બની ગયું છે. આપણે અનોખી અને વિવિધ સંસ્કૃતિ, વિશ્વસ્તરની આકર્ષક અને લોભામણા સ્થાનને આખા વિશ્વ સાથે શૅર કરવા ઉત્સાહિત છીએ.
સોંદર્ય સ્પર્ધા સાથે જોડાયેલી અન્ય જાણકારી આપતાં મોર્લીએ જણાવ્યું કે, 71માં મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતી 130 નેશનલ ચેમ્પિયન્સ ભારત આવશે. જેઓ એક મહિના સુધી ભારતમાં રહેશે. આ દેશની અદભૂત અને વૈવિધ્યસભર સંસ્કૃતિનો અનુભવ લેતા તમામ પ્રતિભાગી પોતાના દયાભાવ, સમજદારી અને અનોખી પ્રતિભાનું પ્રદર્શન કરશે.