કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આગામી પાંચ-છ વર્ષમાં દેશમાં એરપોર્ટોની સંખ્યા 200 કરીને એર કનેક્ટિવિટીમાં વધારો કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે આઝાદીના 67 વર્ષમાં દેશમાં ફક્ત 74 નવા એરપોર્ટ બન્યા હતા, જ્યારે છેલ્લા 8.5 વર્ષમાં વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં 73 એરપોર્ટ બનતાં કુલ સંખ્યા 147 થઈ છે. એરપોર્ટ ક્ષેત્રમાં આગામી કેટલાક વર્ષોમાં એક લાખ કરોડ રુપિયાનું રોકાણ કરાશે. 148મું એરપોર્ટ આ મહિને તૈયાર થઈ જશે, તેનો અર્થ એ થયો કે 74 એરપોર્ટ બનાવતાં 66-67 વર્ષ લાગી ગયા અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 9 વર્ષમાં જ 73 એરપોર્ટ બનાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, બજેટમાં નિર્મલા સીતારમન દ્વારા અન્ય 50 વધારાના એરપોર્ટો, વોટરડ્રોમ અને હેલીપોર્ટને મંજૂરી આપી છે. આગામી પાંચ વર્ષમાં અમે 150 એરપોર્ટ, વોટરડ્રોમ અને હેલીપોર્ટ બનાવીશું. ફક્ત આંતરરાષ્ટ્રીય માર્ગોનો વિસ્તાર કરીને દેશમાં હવાઇ સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે નહીં, પરંતુ હવાઈ સંપર્કને દ્વિતીય અને તૃતીય શ્રેણીના શહેરો સુધી વિસ્તાર કરવો પડશે. ઉડાન યોજના હેઠળ અમે ગત વર્ષે નાના વિમાનની યોજના શરુ કરી છે, જે ફક્ત 20 સીટર વિમાન હશે. સિંધિયાએ કહ્યું કે આ પ્રકારના વિમાન હાલમાં ઉતરાખંડ, હિમાચલ, ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં સંચાલિત કરાઈ રહ્યા છે અને અરુણાચલની સરહદ પર ઉન્નત લેન્ડિંગ ગ્રાઉન્ડ સક્રિય કરી દીધા છે. વિમાન ભાડાંમાં તીવ્ર વધારો થયો છે ત્યારે તેમણે એરલાઇન્સ દ્વારા વાજબી ભાડાં જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.