કેનેડા ભારતના 700 વિદ્યાર્થીઓને દેશનિકાલ કરે તેવું જોખમ ઊભું થયું છે. આ તમામ વિદ્યાર્થીઓ પર નકલી ઓફર લેટર દ્વારા એડમિશન લેવાનો આરોપ છે. ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓનો આ વિરોધ કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીના હેડક્વાર્ટરની સામે ચાલી રહ્યો છે. પંજાબના NRI બાબતોના પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલે વિદેશ પ્રધાન (EAM) એસ જયશંકરને આ મામલે હસ્તક્ષેપની માંગ કરી છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય (MEA) અને હાઇકમિશન 700 ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે. છેતરપિંડીયુક્ત પ્રવેશ ઓફરને કારણે ખાસ કરીને પંજાબના વિદ્યાર્થીઓ દેશનિકાલનો સામનો કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓ પાસે કોલેજોના ઑફર લેટર્સ અને સ્ટડી વિઝા પણ છે, પરંતુ તેમને કેનેડામાં અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓએ કંઈ ખોટું કર્યું નથી અને તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે.
કુલદીપ સિંહ ધાલીવાલે ગૃહ પ્રધાન અમિત શાહને વિદ્યાર્થીઓને છેતરતા ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં પંજાબ સરકારને સહકાર આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આવા કેસમાં કાયદો કડક હોવો જોઈએ જેથી ભવિષ્યમાં માનવ તસ્કરીની ઘટનાઓ ન બને.
કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA) એ તાજેતરમાં લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટેશન લેટર જારી કર્યા છે. CBSAને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓના એડમિશન ઑફર લેટર્સ બનાવટી હતા. તેના બાદ જ આ લેટર જારી કરવામાં આવ્યા હતા. વિરોધ કરી રહેલા ઘણા વિદ્યાર્થીઓ દાવો કર્યો છે કે તેઓ 2018 માં કેનેડા પહોંચ્યા હતા, પરંતુ નકલી પત્રો હવે સામે આવ્યા છે, પાંચ વર્ષ પછી, જ્યારે તેઓએ કાયમી નિવાસ માટે અરજી કરી હતી