ભારતમાં યુએસ મિશને બુધવાર, 7 જૂને સાતમાં વાર્ષિક સ્ટુડન્ટ વિઝા ડેનું આયોજન કર્યું હતું. મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને નવી દિલ્હીના કોન્સ્યુલર ઓફિસરોએ લગભગ 3,500 સ્ટુડન્ટ વિઝા અરજદારોને ઇન્ટરવ્યૂ લીધાં હતાં. ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરનારા વિઝા લાભાર્થીઓને અભિનંદન આપ્યાં હતાં.
ભારતમાં કોન્સ્યુલર અફેર્સ માટે એક્ટિંગ મિનિસ્ટર કાઉન્સેલર બ્રેન્ડન મુલાર્કીએ માહિતી આપી હતી કે યુએસ મિશન રેકોર્ડબ્રેકિંગ સંખ્યામાં વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ માટે સજ્જ છે.
સ્ટુડન્ટ વિઝા ડે શિક્ષણ ક્ષેત્રમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના લાંબા સમયના સંબંધોને હાઇલાઇટ કરે છે. આ વર્ષે 200,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. આ સંખ્યા હાલમાં યુ.એસ.માં રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પાંચમા ભાગની છે.
બ્રેન્ડન મુલાર્કીએ જણાવ્યું હતું કે “ગયા વર્ષે, રેકોર્ડબ્રેક 125,000 ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, જે અન્ય કોઈપણ દેશના લોકોને આપવામાં આવેલા વિઝા કરતાં વધુ છે. હકીકતમાં, ગયા વર્ષે દર પાંચમાંથી એક સ્ટુડન્ટ વિઝા ભારતીયોને આપવામાં આવ્યાં હતા. આ વર્ષે અમે પહેલા કરતા વધુ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લઈશું.”
એરિક ગારસેટ્ટીએ ભારતમાં એક વિદ્યાર્થી તરીકેના તેમના અનુભવો અને તેમના જીવન પર કેવી અસર થઈ હતી તેની યાદ તાજી કરી હતી. રાજદૂતે કહ્યું હતું કે “હું એક યુવાન વિદ્યાર્થી તરીકે ભારત આવ્યો હતો અને મેં મારા પોતાના જીવનમાં જોયું છે કે આ અનુભવો કેટલા પરિવર્તનકારી હોઈ શકે છે.” તેમણે ભારત અને યુએસ વચ્ચે સ્ટુડન્ટ એક્સ્ચેન્જ પ્રોગ્રામના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.