• એક્સક્લુસીવ
  • કમલ રાવ દ્વારા

બ્રિટનમાં રહેતા હિન્દુઓ, શીખો અને જૈનો મોટી ઉંમરે પોતાના જીવનસાથી ગુમાવે કે ડીવોર્સ થાય ત્યારે તેમને માટે જીવનસાથી શોધવાના કોઇ કોમર્શિયલ અને કોમ્યુનિટી મેટ્રિમોનિયલ એપ્સ કે ગૃપની વ્યવસ્થા નથી ત્યારે જાણીતા હિન્દુ અગ્રણી ભારતીબેન ટેલરે 55 વર્ષ કરતા વધુ વયના લોકો માટે ‘ગોલ્ડન એજ સિંગલ્સ ગ્રુપ’ નામના વોટ્સએપ ગૃપની રચના કરી છે. આનંદની વાત એ છે કે તેમના ગૃપના એક યુગલે તો પોતાનો સંબંધ આગળ વધારવાનું નક્કી પણ કર્યું છે.

ઇક્વાલીટી એન્ડ કોમ્યુનીટી કન્સલ્ટન્સી ફર્મ આરજી એન્ટરપ્રાઇઝના સ્થાપક અને હિન્દુ ફોરમ ઓફ યુરોપના પ્રથમ મહિલા સેક્રેટરી જનરલ (પૂર્વ) ભારતીબેને ટેલરે ‘ગરવી ગુજરાત’ને એક એક્સક્લુસીવ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’આપણા સમાજમાં શીખ, હિન્દુ અને જૈન સમાજના ઘણા આધેડ અને વૃદ્ધ લોકો છે, જેઓ એકલા રહે છે અને નવો જીવનસાથી શોધવા માંગે છે. જો કે તેમની પાસે વિકલ્પો ખૂબ જ મર્યાદિત છે. એકલા રહેવાના કારણે તેઓ ઘણી વખત એકલતા અને હતાશા અનુભવે છે. જ્યારે મેં હિંદુ મેટ્રિમોનિયલ માટે તાજેતરમાં બનાવેલ વૉટ્સએપ ગૃપ અંગે વૃદ્ધ લોકો વિશે પૂછ્યું, ત્યારે મને કહેવાયું હતું કે તેઓ 55 વર્ષની ઉંમરે જાણે કે આપણા સમાજ અને દુનિયાથી કટ ઓફ થઈ ગયા છે. જો મારે આ વૃદ્ધ લોકો માટે કંઈક કરવું હોય, તો મારે જાતે જ કશું સેટ કરવું જોઈએ. આ સમસ્યા વિષે ઘણો સમય વિચાર્યા બાદ અનો લોકો સાથે ચર્ચા કર્યા બાદ મેં ગત તા. 12 મેના રોજ એક વૉટ્સએપ ગૃપ શરૂ કર્યું હતું.’’

ભારતીબેને જણાવ્યું હતું કે ‘’માત્ર 13 દિવસમાં જ ગોલ્ડન એજ સિંગલ્સ ગ્રુપના 77 સભ્યો બની ગયા હતા અને ગૃપમાં જોડાવા માંગતા લોકોના વેઇટિંગ લિસ્ટમાં પણ વધારો થયો છે. આ ગૃપમાં 80 જેટલા માત્ર યુકેમાં રહેતા શીખો, હિન્દુઓ અને જૈનોનો સમાવેશ કરાયો છે. મારા માટે આ શીખવાનો એક નવો જ વળાંક છે. કારણ કે તેમાંના ઘણા લોકો ક્યારેય ઓનલાઇન ડેટિંગ સાઇટ પર ગયા નથી અને તેમનો હાથ કોઇકે તો પકડવાની જરૂર છે જ.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’અમારા ગૃપમાં સૌથી મોટી વયના વ્યક્તિની ઉંમર 86 વર્ષની છે અને અમે સૌ સભ્યોને પોતાનો ફોટો સહિત પ્રોફાઇલ મૂકવા કહ્યું છે. જે લોકો ઇંગ્લિશ લખવામાં કુશળ નથી તેવા લોકોને બોલીને પોતાનો પ્રોફાઇલ આપવા કહ્યું છે. આપણા સંસ્કાર અને ઉછેરને કારણે ઘણાં લોકોને થોડોક સંકોચ થાય છે પરંતુ જે પ્રતિસાદ મળ્યો છે તે બતાવે છે કે આ પ્રશ્નને ઉકેલવો કેટલો અગત્યનો છે. ‘’

ભારતીબેને કહ્યું હતું કે ‘’અમે ગૃપના લોકો રૂબરૂ મળી શકે અને તે રીતે તેમનો સંકોચ દૂર થાય તે માટે બે સપ્તાહ પહેલા એક પીકનીકનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 15 સ્ત્રી પુરૂષ સદસ્યો આવ્યા હતા. તેઓ પોતાના ઘરેથી નાસ્તો પણ લઇને આવ્યા હતા, જે તેમણે એક બીજા સાથે શેર કર્યો હતો. તો કેટલાકે સાથે વોક પણ લીઘી હતી. અમને આશા છે કે આ ગૃપમાં હજુ વધારે લોકો જોડાશે’’

અત્રે ઉલ્લેખનીય છે કે આપણા દેશના લોકોમાં સંકોચના નામનો એક ‘ટાબુ’ છે. પરંપરા છે કે એક વખતે 55-60 વર્ષ થઇ જાય પછી વડિલે ધર્મ-ધ્યાન કરવાનું અને ભલે ગમે તેટલી તકલીફો પડે, સાજા માંદા હોય, ભૂખ્યા રહેવું પડે પરંતુ તેમણે કોઇ નવો ઘરસંસાર શરૂ કરવાનો નહિં. યુકેમાં જ્યારે બાળકો લગ્ન પહેલાથી જ પરિવારજનોથી દૂર રહેવા જતા રહે છે ત્યારે એકલા રહેતા લોકોને કેવી તકલીફોનો સામનો કરવો પડે છે એ તો તેવું જીવન વિતાવનાર વ્યક્તિ જ હતાવી શકે.

આ ગૃપમાં જોડાવા માટે સંપર્ક: ભારતીબેન ટેલર +44 7736 704 383.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments