અમેરિકાના ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સે પણ આગામી વર્ષે યોજાનારી દેશના પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી અમેરિકાના ફેડરલ ઈલેકશન કમિશન સમક્ષ વિધિવત રીતે નોંધાવી હતી. આ રીતે, પેન્સ પ્રાથમિક રીતે તો તેના એક વખતના ઉપરી – ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાસ્ટ ટ્રમ્પને જ રીપબ્લિકન પાર્ટીના નોમિનેશનમાં પડકારી રહ્યા છે.
63 વર્ષના આ ઈલેન્જેલિકલ ક્રિશ્ચિયન સત્તાવાર રીતે બુધવારે આયોવામાં વિડિયો દ્વારા પોતાના પ્રચાર અભિયાનનો આરંભ કરશે. એ પછી, એક ટાઉન હોલ ઈવેન્ટમાં તેઓ રાષ્ટ્ર સમક્ષ પોતાની ઉમેદવારી વિષે વાત કરશે.
પેન્સ 2017 થી 2021 સુધીના ટ્રમ્પના શાસનકાળમાં વાઈસ પ્રેસિડેન્ટપદે રહ્યા હતા તેમણે ટ્રમ્પના એક વફાદાર ડેપ્યુટી તરીકે જબરજસ્ત નામના મેળવી હતી. જો કે, 2020ની ચૂંટણીમાં ટ્રમ્પના પરાજય પછી પેન્સની સેનેટના પ્રેસિડેન્ટ તરીકેની સત્તાનો ઉપયોગ કરી બાઈડેનની ચૂંટણી રદબાતલ જાહેર કરવાની ટ્રમ્પની માગણી નકારી કાઢ્યા પછી પેન્સને અચાનક ટ્રમ્પ અને તેમના સમર્થકોએ અસ્પૃશ્ય જાહેર કરી દીધા હતા અને તેમને અપમાનિત પણ કર્યા હતા.