ભારતીય હોકી ટીમ ફરી એકવાર જુનિયર એશિયા કપ ચેમ્પિયન બની છે. ઓમાનના સલાલાહમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. ભારતે ચોથી વખત આ ખિતાબ જીત્યો છે. આ સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ બની છે.
જુનિયર એશિયા કપની આ વર્ષે નવમી સિઝન હતી, જેમાં ભારતીય ટીમ છઠ્ઠી વખત ફાઈનલમાં પહોંચી હતી. ભારતે આ નિર્ણાયક મુકાબલામાં શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી.
મેચની 13મી મિનિટે અંગદ બીર સિંહે ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ આપી હતી. 15મી મિનિટે પાકિસ્તાનને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ ભારતે ગોલ થવા દીધો નહોતો. મેચની 20મી મિનિટે અરિજીત સિંહ હુંદલે ગોલ કરીને લીડ 2 – 0ની કરી હતી. હાફ ટાઈમે સ્કોર ભારત માટે 2 – 0 રહ્યો હતો.
પાકિસ્તાનના બશારત અલીએ મેચની 38મી મિનિટે ગોલ કરીને લીડ ઓછી કરી હતી. તે પછી બન્ને ટીમ ગોલ કરી શકી નહોતી અને મેચ 2-1થી ભારતની તરફેણમાં સમાપ્ત થઈ હતી. ભારતે ટુર્નામેન્ટમાં કુલ 50 ગોલ કર્યા અને ટોપ સ્કોરર રહી હતી.