અમેરિકાની સંસદના નેતાઓએ શુક્રવારે (2) જણાવ્યું હતું કે તેઓએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 22 જૂને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે. તે વિદેશી મહાનુભાવોને વોશિંગ્ટન દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનો પૈકીનું એક છે.
હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થી, સેનેટ બહુમતી નેતા ચક શૂમર, સેનેટ રિપબ્લિકન લીડર મિચ મેકકોનેલ અને હાઉસ ડેમોક્રેટિક લીડર હકીમ જેફરીએ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “તમારા સંબોધન દરમિયાન, તમને ભારતના ભવિષ્ય માટેના તમારા વિઝનને શેર કરવાની અને વૈશ્વિક પડકારો અંગે અભિપ્રાય રજૂ કરવાની તક મળશે.”
આ સંબોધન યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે કાયમી મિત્રતાની ઉજવણી સમાન હશે. 22 જૂન, 2023એ મોદી અમેરિકાના હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત હશે જ્યારે મોદી યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પહેલી વખતે તેમણે 2016માં અમેરિકાની સંસદને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદી પહેલાં ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, દક્ષિણ આફ્રિકાના પ્રેસિડન્ટ નેલ્સન મંડેલા અને ઇઝરાયેલના બે વડાપ્રધાનોને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધવાનું સન્માન મળ્યું છે. 22 જૂને યુએસ કોંગ્રેસના સેશન બાદ વડાપ્રધાન મોદી સ્ટેટ ડિનરમાં સામેલ થશે, જેનું આમંત્રણ અમેરિકાના પ્રમુખ જો બાયડન અને ફર્સ્ટ લેડી જિલ બાયડને આપ્યું છે.
હાઉસ સ્પીકર કેવિન મેક્કાર્થીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચેની ભાગીદારી સતત વધી રહી છે અને પીએમ મોદી યુએસ સંસદને સંબોધિત કરે તે અમારા માટે ગર્વની વાત હશે.
ન્યૂયોર્ક શહેરના ઐતિહાસિક મેડિસન સ્ક્વેયર ગાર્ડનમાં નવરચિત ઈન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ફાઉન્ડેશનના નેજા હેઠળ 28 સપ્ટેમ્બરે યોજાનારા સત્કાર સમારોહમાં નરેન્દ્ર મોદી તેમના સંબોધનમાં ઇન્ડિયન ડાયસ્પોરા વિશે મહત્વની નીતિવિષયક જાહેરાત કરે તેવી શકયતા છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત હજુ સુધી કરાઈ નથી.મેનહટ્ટનના બિગ એપલમાં મેડિસન સ્ક્વેયર ગાર્ડનની 18,000થી 20,000ની ક્ષમતાને ધ્યાનમાં લેતા તે ખીચોખીચ ભરાઈ જવાની શક્યતા છે. આમ આ રીતે ભારતીય વડાપ્રધાન અથવા અન્ય કોઇ પણ ભારતીય નેતા દ્વારા વિદેશમાં સૌથી મોટી જનમેદની સંબોધન બની રહેશે. આ જ રીતે અત્યારના સમયમાં અમેરિકાની ધરતી પર મોદી માટે સુચિત સન્માન સમારોહ કોઈ પણ વિદેશી નેતા માટે સૌથી મોટો સમારોહ બની રહેશે.