રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ અને મહામારીને અસરો હોવા છતાં ભારત 5 ટ્રિલિયનની ઇકોનોમી બનવાની માર્ગ પર આગળ વધી રહ્યું છે. દેશનો જીડીપી વૃદ્ધિદર ગયા નાણાકીય વર્ષમાં (2022-23)માં 7.2 ટકા જેટલો ઊંચો રહ્યો હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર (Q4)માં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો હતો. કૃષિ, મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ, કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં સારી કામગીરીને કારણે આર્થિક વૃદ્ધિ સારી રહી હતી. અગાઉના વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ 9.1 ટકા હતો. આ સાથે દેશનું અર્થતંત્ર 3.3 લાખ કરોડ ડોલરના સ્તર પર પહોંચી ગયું છે અને આગામી કેટલાક વર્ષોમાં 5 લાખ કરોડ ડોલર (5 ટ્રિલિયન)ની ઈકોનોમી બનવાની દિશામાં આગળ ધપી રહ્યું છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ બુધવારે જાહેર કરેલા ડેટા અનુસાર જીડીપી ગ્રોથ Q4માં 6.1 ટકા રહ્યો હતો, જે ગત ગત વર્ષે આ ગાળામાં 4 ટકા હતો. ગ્રોથ ઓક્ટોબર-ડિસેમ્બર (Q3) ક્વાર્ટરમાં 4.5 ટકા હતો અને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર(Q2)માં 6.2 ટકા હતો. Q1માં જીડીપી ગ્રોથ 13.1 ટકા હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચીનનો જીડીપી ગ્રોથ 4.5 ટકા રહ્યો હતો.
એનએસઓના બુધવારના ડેટા અનુસાર 2022-23માં રિયલ જીડીપી રૂ.160.06 લાખ કરોડ થઈ હતી, જે 2021-22માં રૂ.149.26 લાખ કરોડ હતી. આ રીતે જીડીપી ગ્રોથ 7.2 ટકા થયો છે જે ગત વર્ષે 9.1 ટકા હતો. ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA) ગ્રોથ 7 ટકા રહ્યો હતો, જે અગાઉના વર્ષે 8.8 ટકા હતો. Q4માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ 4.5 ટકા રહ્યો હતો, જે અગાઉના વર્ષે આ ગાળામાં 0.6 ટકા હતો. માઈનિંગ ક્ષેત્રે 4.3 ટકા ગ્રોથ રહ્યો હતો. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ગ્રોથ 10.4 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 4.9 ટકા હતો. કૃષિ ક્ષેત્રે ગ્રોથ 5.5 ટકા રહ્યો હતો.