અમેરિકાના મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા 33 વર્ષીય ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને અમેરિકાની તપાસ એજન્સી FBIએ પોતાની ટોપ ટેન મોસ્ટ વોન્ટેડ ભાગેડુની યાદીમાં સામેલ કર્યો છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન 2017થી ભારતીય ભાગેડુ ભદ્રેશ કુમાર પટેલને શોધી રહી છે. હવે FBIની 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં તેને સામેલ કર્યો છે. તેનાથી ભારતની તપાસ એજન્સીઓ પણ તેને શોધવામાં મદદ કરશે.

FBIએ ભદ્રેશ પટેલ પર 250,000 ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું છે. ભદ્રેશ FBIની નજરમાં ખતરનાક ગુનેગારમાંનો એક છે. ભદ્રેશ પટેલે 2015માં પત્નીની ઘાતકી હત્યા કરી હોવાનો આરોપ છે. તે પત્ની પલકને નિર્દયતાથી છરી મારીને હત્યા કર્યા પછી છુપાઈ ગયો હતો. આ દંપતિ 2014માં વિઝિટર વિઝા પર યુએસ ગયા હતા અને મેરિલેન્ડના હેનોવરમાં એક ડોનટ્સમાં શોપમાં નોકરી કરતાં હતા. આ સ્ટોર્સના માલિક તેમના એક સંબંધી હતા.

માર્ચ 2015માં તેમના વિઝા એક્સપાયર થઈ ગયા હતા અને પછી તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હતા. પલકે ભારત પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આ ભયાનક ઘટના બની હતી. આ મુદ્દે દંપતી વચ્ચે વારંવાર દલીલબાજી અને તકરાર થતી હતી અને આખરે આઘાજનક ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કેદ થયા જેમાં જોવા મળે છે કે, જ્યારે દંપતી રેક્સની પાછળ ગાયબ થતા પહેલા રસોડામાં કામ કરતું જોવા મળ્યું હતું. થોડીવાર પછી ભદ્રેશ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી ઉતાવળે પાછળથી બહાર આવ્યો અને જલ્દીથી સ્ટોરની બહાર નીકળી ગયો હતો. હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક ગ્રાહક, સ્ટોર પર આવ્યો, તેણે આ મામલે તરત જ પોલીસને જાણ કરી હતી.

LEAVE A REPLY