ઇસ્લામિક આતંકવાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની કથા સાથે વિશ્વભરમાં બહુચર્ચીત બનેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ બર્મિંગહામમાં બ્રોડ સ્ટ્રીટમાં સિનેવર્લ્ડ સિનેમાહોલમાં દર્શાવાતી હતી ત્યારે બર્મિંગહામના કેટલાક મુસ્લિમ કાર્યકરોએ ફિલ્મ ઇસ્લામોફોબિયા ફેલાવી રહી હોવાનો આક્ષેપ કરી થિયેટરમાં બરાડા પાડી ફિલ્મના સ્ક્રીનીંગમાં વિક્ષેપ પાડતા યુકેભરમાં વ્યાપક રોષ ફેલાયો હતો.
જ્યારે લેસ્ટરમાં પિકાડિલી સિનેમા ખાતે ફિલ્મ જોવા જતા લોકોને ફિલ્મ જોવા નહિં જવાનું કહેવાયું હતું. જો કે ફિલ્મ દર્શાવાઇ હતી. પ્રથમ સ્ક્રીનિંગના આગલા દિવસે મેનેજરને ધમકીભર્યો ફોન આવ્યો હતો કે જો તેઓ ફિલ્મ બતાવશે તો 200 લોકો સિનેમા પર હુમલો કરશે. તેણે પોલીસને જાણ કરતા પોલીસે સુરક્ષા પૂરી પાડી હતી. પરંતુ ધમકીઓ ચાલુ રહી હતી.
બ્રિટનમાં મિડલેન્ડ્સ પર મોટાભાગે ધ્યાન કેન્દ્રિત કરતી ત્રણ સિનેમા ચેઇન લાઇટ સિનેમાસે સ્થાનિક મુસ્લિમ સમુદાયોની ફરિયાદો મળ્યા બાદ તેના તમામ પાંચ સિનેમાઘરોમાંથી “ધ કેરાલા સ્ટોરી” ફિલ્મનું નિર્ધારિત સ્ક્રીનિંગ રદ કર્યું હતું.
બ્રિટિશ મુસ્લિમ ન્યૂઝ વેબસાઈટ ‘5પિલર્સ’ પર અપલોડ કરાયેલી 10 મિનિટની ક્લિપમાં ભારત અને હિન્દુ વિરોધી પૂર્વગ્રહ માટે જાણીતા બનેલા કાશ્મીરી ઇન્ડીપેન્ડન્ટ એક્ટીવીસ્ટ અને પ્રોપર્ટી ડેવલપર શકીલ અફસરને સાથી પ્રદર્શનકારીઓના જૂથ સાથે સિનેવર્લ્ડ થિયેટરમાં ઘૂસીને વિક્ષેપ ઊભો કરી અને ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવતો દર્શાવવામાં આવ્યો હતો.
સોસ્યલ મિડીયા પર વ્યાપક બનેલી આ ક્લિપમાં, શકીલ અફસર અને ઓછામાં ઓછા બે અન્ય લોકો સિનેમા મેનેજર સાથે ફિલ્મ ‘ઈસ્લામોફોબિક’ હોવા વિશે અને નરેન્દ્ર મોદી, આરએસએસ અને બીજેપી આ દેશમાં કોમી વેમન્સ્ય ફેલાવતા હોવાનો આક્ષેપ કરી ફિલ્મમાં અવરોધ ઉભો કરતા દેખાઇ રહ્યા છે.
શકીલ અફસરે આક્ષેપ કર્યો હતો કે ‘’આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થયેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘ઈસ્લામોફોબિક’ છે અને ફિલ્મે ભારતમાં હિંસક અથડામણો શરૂ થઇ છે. આ ફિલ્મ જૂઠ છે, અમે તેને મંજૂરી આપીશું નહીં.’’ આખરે અફસરને સિનેમાની બહાર લઈ જવાયો ત્યારે તેમણે ‘ફ્રી કાશ્મીર’ના નારા લગાવ્યા હતા. આ વિરોધને પગલે સિનેમા ચેઇન તેના સ્ટાફની સલામતી અંગે ચિંતિત બની હતી.
આ વિક્ષેપને પગલે સિનેવર્લ્ડના સ્ટાફને ફિલ્મનું સ્ક્રિનિંગ થોભાવવાની ફરજ પડી હતી. જેને કારણે ફિલ્મ જોવા આવેલા અન્ય પ્રેક્ષકોએ શકીલ અને અન્ય ઇસ્લામિક એક્ટીવીસ્ટને થિયેટર છોડવાનું કહેતા વિડીયોમાં જોવા મળ્યા હતા.
સિનેવર્લ્ડે જણાવ્યું હતું કે ‘સંક્ષિપ્ત વિક્ષેપ’ને પગલે તેના સ્ટાફે ‘ઘટના બાબતે ઝડપથી પગલા લઇને ‘ન્યૂનતમ વિલંબ’ પછી ફિલ્મ પછીથી ફરી શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ એંગેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ નામના એક એડવોકસી ગૃપે પોતાના સમર્થકોને ફિલ્મના સ્ક્રીનિંગને રદ કરવા માટે સિનેમાઘરોને લોબીઇંગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, અને દાવો કર્યો હતો કે તે ફિલ્મ ‘ઇસ્લામોફોબિક તણાવ અને વિભાજનને ઉત્તેજન આપશે’.
યુકેના ડિસ્ટ્રિબ્યુટર 24 સેવન ફ્લિક્સ4યુના ડિરેક્ટર સુરેશ વરસાણીએ જણાવ્યું હતું કે, ‘’ફિલ્મ શુક્રવારથી બ્રેડફર્ડ અને વોલ્સલ જેવા સ્થળોએ પ્રદર્શિત થવાની હતી. અન્ય સિનેમા ચેઇન, રીલ સિનેમાઝે પણ બર્નલી અને બ્લેકબર્નનું સ્ક્રિનિંગ રદ કર્યું હતું. મિડલેન્ડ્સમાં શોકેસ સિનેમાસ ચેને કહ્યું હતું કે “અમને સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા ઘણી ફરિયાદો મળી હતી. એકે ચેઇને કહ્યું હતું કે તેને સાઇટ મેનેજરો તરફથી નકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને સ્થાનિક મુસ્લિમ સમુદાયે ફિલ્મ ન બતાવવા કહ્યું હતું. જ્યારે સિનેવર્લ્ડ, ઓડિયન અને વ્યુ દ્વારા ફિલ્મ દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું. સિનેવર્લ્ડ એવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જ્યાં મુસ્લિમોની વધુ વસ્તી નથી.’’