ભારતની ચાર દિવસની યાત્રાએ આવેલા યુકેના નાયબ વિદેશ પ્રધાન લોર્ડ તારિક અહમદે જણાવ્યું હતું કે યુકેના વિઝા નિયમોમાં ફેરફારથી ભારતના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અસર થશે નહીં. તાજેતરના વિઝા નિયંત્રણો માત્ર એક વર્ષના રિસર્ચ અને ડોક્ટરલ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે છે. અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું હંમેશા સ્વાગત છે.
લોર્ડ અહમદે ભારતની એક ટીવી ચેનલને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વિઝા નિયમોમાં ફેરફાર અંગે સ્પષ્ટતા કરી હતી કે “અમે રીસર્ચ અને પીએચડી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે જેઓ માત્ર એક વર્ષ માટે આવે છે અને ઘણીવાર તેમનું સંશોધન પૂર્ણ કરતા નથી. બ્રિટનને કાયદેસરના ઇમિગ્રેશનથી ફાયદો થાય છે અને તે માત્ર ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માંગે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ભારતમાંથી આવે છે. અમને વધુ વિદ્યાર્થીઓ જોઈએ છે.”
લોર્ડ અહમદની ભારત મુલાકાતનો હેતુ બંને રાષ્ટ્રો વચ્ચે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં ગાઢ બનતા સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ માટે હૈદરાબાદની ખાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ સ્ટાર્ટ-અપ્સમાં ઇનોવેશન જોશે.
વિમ્બલ્ડનના બેરોન લોર્ડ તારિક અહમદે તેમની ચાર દિવસની ભારત યાત્રાનો પ્રારંભ રાજસ્થાનના જોધપુર કર્યો હતો, જ્યાંથી તેમની માતા 76 વર્ષ પહેલા પાકિસ્તાન અને પછી ઈંગ્લેન્ડ ગયા હતા. 55 વર્ષના લોર્ડ અહમદ માટે તે એક ભાવનાત્મક ક્ષણ હતી. તેમણે જણાવ્યું હતું કે “માર માટે લાગણીઓનું વર્ણન કરવાનું ખૂબ જ મુશ્કેલ છે. આજે હું આ મહેલની મુલાકાત લઈ રહ્યો છું, જ્યાં મારા દાદા મહારાજા ઉમેદ સિંહના દરબારમાં ખજાનચી હતા. તેમના પિતા અહેમદ ખાન એક ચિકિત્સક હતાં જેમને શાહી દરબાર સાથે પણ સંબંધ હતો.”