નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ પહેલાં શ્રી શ્રી અંબાલાવનન દેશિકા પરમાચાર્ય સ્વામીગલે શનિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'સેંગોલ' આપ્યો હતો. (ANI Photo)

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા શનિવારે તમિલનાડુના અધીનમ અથવા સંતોએ ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીને ઐતિહાસિક રાજદંડ સેંગોલ અર્પણ કર્યો હતો. મોદી તેમના નિવાસસ્થાને તમિલનાડુથી આવેલા અધીનમને મળ્યાં હતાં અને આશીર્વાદ પણ મેળવ્યા હતા. સંતોએ વૈદિક મંત્રોચ્ચારો કરી સત્તા હસ્તાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સેંગોલ સોંપ્યો હતો. આ પ્રસંગે 21 મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ અગાઉ વડાપ્રધાન મોદીને સોનેરી અંગવસ્ત્રમ્ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે વૈદિક વિધિ મુજબ સેંગોલ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવા સંસદ ભવનને “લોકશાહીનું મંદિર” ગણાવ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે તે ભારતના વિકાસના માર્ગને મજબૂત કરવા અને લાખો લોકોનું સશક્તિકરણ કરશે. મોદીએ લોકોને ‘MyParliamentMyPride’ હેશટેગ સાથે ટ્વિટર પર નવી ઇમારતનો વીડિયો શેર કરવા વિનંતી કરી હતી. મોદીએ પોતાના ટ્વીટ સાથે ‘માય પાર્લામેન્ટ માય પ્રાઈડ’ ટેગનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાને નવા સંસદ ભવન અને તેમના વોઇસઓવરના વિડિયો સાથે અનેક લોકોની પોસ્ટને પણ રી-ટ્વીટ કરી હતી.

LEAVE A REPLY