વર્જિનિયામાં નોર્ફોકના રહેવાસી 38 વર્ષીય ચિરાગ પટેલને કમ્પ્યુટર ફ્રોડના ગુનામાં 51 મહિનાની જેલ અને ત્રણ વર્ષ નિરીક્ષણ હેઠળ રહેવાની સજા ફટકારવામાં આવી છે. તે ક્સ્ટમર ક્રેડિટ કાર્ડના આરોપમાં દોષિત ઠરતા યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જી. મુર્રે સ્નોએ તેને નુકસાનીના વળતર પેટે 87, 522.25 ડોલર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનની તપાસ મુજબ, ઓગસ્ટ 2017 અને જુલાઇ 2020 દરમિયાન ચિરાગ પટેલે અનેકવાર ફિનિક્સસ્થિત એક ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી કંપનીના કમ્પ્યુટર્સ હેક કર્યા હતા.
ચિરાગ પટેલે છેતરપિંડીથી કંપનીના કસ્ટમર લોયલ્ટી પ્રોગ્રામમાંથી રીવોર્ડ પોઇન્ટ ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેણે કંપનીના કમ્પ્યુટર્સમાંથી ક્રેડિટ કાર્ડ નંબર્સ અને કસ્ટમરની અંગત ઓળખ માહિતી પણ હેક કરીને ચોરી લીધી હતી.
ચિરાગ પટેલે આ સમયગાળા દરમિયાન 1200થી વધુ ક્રેડિટ કાર્ડ નંબર્સની ચોરી કરી હતી. તેણે તેના દ્વારા બિનઅધિકૃત ખરીદી કરી હતી અને આવા કેટલાક નંબર્સને વેચવાનો પણ પ્રયાસ કર્યો હતો.