પીએમ ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિની સંપત્તી ઘટી છે. “ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ” 2023માં દાવો કરાયો છે કે 2022માં 222મા સ્થાને રહેનાર સુનક દંપત્તી લગભગ £201 મિલિયન ગુમાવીને £529 મિલિયનની અંદાજિત સંપત્તિ સાથે 275મા સ્થાને આવી ગયું છે. તે પાછળનું કારણ મૂર્તિના પિતા નારાયણ મૂર્તિ દ્વારા સહ-સ્થાપિત ભારતીય સોફ્ટવેર ફર્મ ઇન્ફોસિસમાં મૂર્તિના શેરના મૂલ્યમાં ઘટાડો છે. બીજી તરફ ઋષિ સુનકે મતદારો તેમની સંપત્તિ બાબતે કાળજી લેતા હોય તે વાતનો ઇન્કાર કર્યો હતો.
રિચ લિસ્ટ એનાલિસિસમાં જણાવાયું છે કે “છેલ્લા વર્ષમાં, તેમની સંપત્તિમાં દરરોજ અડધા મિલિયન પાઉન્ડથી વધુનો ઘટાડો થયો છે. 12 મહિના પહેલા રિચ લિસ્ટમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના હિસ્સાની કિંમત લગભગ £690 મિલિયન હતી. ત્યારથી તેની બેન્કિંગ, ટેક અને અન્ય ક્લાયન્ટ્સમાંથી આવક ઓછી થવાને કારણે ઇન્ફોસિસના શેરમાં ઘટાડો થયો છે.”
મતદારો જીવનનિર્વાહના ખર્ચ માટે આકરી સ્થિતીનો સામનો કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાન ડાઉનિંગ સ્ટ્રીટના ઇતિહાસમાં સૌથી ધનિક રહેવાસીઓ છે. કેટલાક માતાપિતાએ સ્વીકાર્યું હતું કે તેઓ બાળકોને ખવડાવી શકતા ન હોવાથી ફોર્મ્યુલા મિલ્કની ચોરી કરી રહ્યા છે.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે ચેતવણી આપી છે કે વડા પ્રધાન લોકો જે ચિંતા અને દબાણમાંથી પસાર થઈ રહ્યા છે તેને “સમજતા નથી”. રાજકારણીઓએ “મતદારોના પગરખાંમાં પગ નાંખવા અને તેઓ શું વેઠી રહ્યા છે તે યોગ્ય રીતે સમજવા” સક્ષમ હોવા જોઈએ. વડા પ્રધાને ખુદે સ્વીકાર્યું છે કે તેમની પાસે કામદાર વર્ગના કોઈ મિત્રો નથી.