કર્ણાટકમાં શનિવારે કોંગ્રેસની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બેંગલુરુ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય પ્રધાન પદે સિદ્ધારમૈયાએ અને ડી. કે. શિવકુમારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. બપોરે 12.30 વાગ્યે બેંગલુરુના કાંતિરાવા સ્ટેડિયમમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે પ્રધાનમંડળના સભ્યોને શપથ લેવડાવ્યા હતા. સિદ્ધારમૈયા બીજી વખત કર્ણાટકના મુખ્ય પ્રધાન બન્યા છે. આ શપથ ગ્રહણમાં જુદા જુદા વિરોધ પક્ષોના નવ નેતાઓ હાજર રહ્યા હતા.
તેમાં મહેબૂબા મુફ્તી (પીડીપી), નીતિશ કુમાર (જેડીયુ), તેજસ્વી યાદવ (આરજેડી), ડી. રાજા અને સીતારામ યેચુરી (ડાબેરી), એમ.કે. સ્ટાલિન (ડીએમકે), શરદ પવાર (એનસીપી), ફારૂક અબ્દુલ્લા (નેશનલ કોંગ્રેસ), કમલ હાસન (મક્કલ નીધી માઈમ)નો સમાવેશ થાય છે. આ સિવાય કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રિયાંક ખડગેને પણ પ્રધાન પદ સોંપવામાં આવ્યું છે. તેઓ ચિત્તાપુરથી ત્રીજીવાર ધારાસભ્ય તરીકે વિજેતા થયા છે. તેઓ 2016માં સિદ્ધારમૈયા સરકારમાં પ્રધાન હતા. 1998માં તેમણે વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ 38 વર્ષની વયે પ્રધાન બન્યા હતા. ડો. જી પરમેશ્વર, કે. એચ. મુનિયપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. સતીશ જારકીહોલી, રામલિંગા રેડ્ડી અને ઝમીર અહેમદ ખાને પણ પ્રધાન પદના શપથ લીધા હતા.