કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ગત શનિવારે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી અને ભાજપનો પરાજય થયો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ ૧૦ વર્ષ પછી ફરી એક વખત સત્તા પર પાછી આવી છે જ્યારે ભાજપે દક્ષિણમાં તેનો એકમાત્ર ગઢ ગુમાવ્યો છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે ૧૩૬ બેઠકોમાં વિજય મેળવીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે જ્યારે એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરતા ભાજપ માત્ર ૬૫ બેઠકોમાં સમેટાઈ ગયો હતો. આ સિવાય રાજ્યમાં મોટાભાગે કિંગમેકરની ભૂમિકા ભજવતા જનતા દળ-સેક્યુલરને પણ જનતાએ માત્ર ૧૯ બેઠકો આપીને તેનું કદ વેતરી નાંખ્યું છે.
છ મહિનામાં હિમાચલ પછી કોંગ્રેસનો બીજો મોટો વિજય છે. કર્ણાટકમાં શનિવારે સવારે મતગણતરી શરૂ થયા પછી કેટલાક એક્ઝિટ પોલમાં દર્શાવાયું હતું તેમ જ કોંગ્રેસે પ્રારંભિક તબક્કામાંથી જ લીડ મેળવી હતી અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે, રાજ્યમાં ૧૦ વર્ષ પછી કોંગ્રેસ અભૂતપૂર્વ પૂર્ણ બહુમતી સાથે પુનરાગમન કરી રહી છે. કોંગ્રેસે ૨૨૪ વિધાનસભા બેઠકોમાંથી બહુમતી માટેનો ૧૧૩નો જાદુઈ આંક સરળતાથી વટાવીને ૧૩૬ બેઠકો મેળવી હતી. રાજ્યમાં ૩૪ વર્ષ પછી કોઈ એક પક્ષને આટલી બેઠકો મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને વિજયના અભિનંદન આપ્યા હતા અને પક્ષને લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.