ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીના સામે આ સિરિયલની એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે જાતિય સતામણીના ગંભીર આક્ષેપો કર્યાં છે અને આ શો છોડી દીધો છે. જેનિફર સિરિયલમાં છેલ્લાં 15 વર્ષથી મિસિસ રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવે છે. તેમણે પ્રોડ્યૂસર આસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર જતીન બજાજ સાથે કાર્યસ્થળ પર શારીરિક શોષણ કરવાનો આક્ષેપ કર્યો હતો. મીડિયા રીપોર્ટ મુજબ જેનિફરે બે મહિના પહેલા જ શૂટિંગ કરવાનું બંધ કરી લીધું છે. 7 માર્ચે તેણે છેલ્લો શોટ આપ્યો હતો.
અગાઉ શૈલેષ લોઢા, દિશા વાકાણી અને ગુરુચરણ સિંહ જેવા અન્ય સ્ટાર પણ આ લોકપ્રિય શો છોડી દીધો હતો. જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ કાર્યસ્થળ પર જાતીય ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવી છે.
જેનિફરે આક્ષેપ કર્યો હતો કે ‘આસિત મોદીએ ભૂતકાળમાં મારો લાભ ઉઠાવવાનો ઘણીવાર પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં મેં તેમના દરેક નિવેદનને અવગણ્યા હતા કારણ કે મને નોકરી ગુમાવવાનો ડર હતો. પરંતુ હવે આ બધું નહીં ચલાવી લેવામાં આવે. તેમણે મને બળજબરીથી સેટ પર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગેટ પણ બંધ કરી દીધો હતો, જેથી હું બહાર ન જઈ શકું. મેં મહિના પહેલા સત્તાધીશોને મેઈલ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. મને ખાતરી છે કે આ અંગે તપાસ હશે. મેં વકીલ હાયર કર્યા છે અને હું જાણું છું કે મને ખૂબ જલ્દી ન્યાય મળશે’