કર્ણાટક વિધાનસભાની 10મેએ યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 72.67 ટકા મતદાન થયું હતું. 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 72.36 ટકા મતદાન નોંધાયું હતું અને ત્રિશંકુ વિધાનસભા રચાઈ હતી. 2018ની ચૂંટણીમાં ભાજપ 104 બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. રાજ્યના કુલ 5.31 કરોડ મતદાતાએ કુલ 2,615 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કર્યું હતું.
કુલ 58,545 મતદાન મથકોમાંથી કોઈ પણ મતદાન મથક પર કોઈ પુનઃ મતદાનનો આદેશ અપાયો નથી. 224 સભ્યોની વિધાનસભા માટે 13 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લાઓના અહેવાલો અનુસાર, કેટલાક વિસ્તારોમાંથી હિંસાની ઘટના બની હતી. એક જગ્યાએ ચૂંટણી અધિકારીની કેટલાક ગ્રામજનોએ મારપીટ કરી હતી.
મતદાનના આંકડાઓ અનુસાર જૂના મૈસુરપ્રદેશના રામનગરામાં સૌથી વધુ 78.22 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન બ્રુહત બેંગલુરુ મહાનગરા પાલિકા (BBMP) દક્ષિણ બેઠકમાં 48.63 ટકા થયું હતું.
રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી તથા ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો બીએસ યેદિયુરપ્પા અને ડીવી સદાનંદ ગૌડા (બંને ભાજપ), કોંગ્રેસના નેતાઓ સિદ્ધારમૈયા અને જગદીશ શેટ્ટર અને IT ઉદ્યોગના દિગ્ગજ એન આર નારાયણ મૂર્તિ અને તેમના પત્ની સુધા મૂર્તિ સહિતના અગ્રણીઓ મતદાન કર્યું હતું.