કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અંગે થયેલા 10માંથી પાંચ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઈ છે. બે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી મળવાની અને એક એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતીનો સંકેત આપવામાં આવ્યો છે. જો રાજ્યોમાં ત્રિશંકુ વિધાનસભાની રચના થશે તો જનતાદળ સેક્યુલર (જેડીએસ)ના એચ ડી કુમારસ્વામી કિંગમેકર બનશે.
બે એક્ઝિટ પોલ – ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા અને ટાઈમ્સ-નાઉ ETGએ કોંગ્રેસની સંપૂર્ણ જીતની સંભાવનાની આગાહી કરી છે. ઇન્ડિયા ટીવી-સીએનએક્સ અને ઝી ન્યૂઝ-મેટ્રિઝે કોંગ્રેસને 113 બેઠકો આપી છે. ન્યૂઝ નેશન-સીજીએસએ ભાજપની જીતની આગાહી કરી છે,
એક્ઝિટ પોલ્સમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ હરિફાઇના સંકેત આપવામાં આવ્યા છે. મોટાભાગના પોલ્સમાં ભાજપની સામે કોંગ્રેસને વધુ બેઠકોનો વર્તારો કરવામાં આવ્યો છે. શાસક ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના જનતા દળ (સેક્યુલર) વચ્ચે ત્રિકોણીય ચૂંટણીજંગનું રિઝલ્ટ શનિવારે જાહેર થશે. કર્ણાટકમાં વિધાનસભાની કુલ 244 બેઠકો છે અને બહુમતી માટે 113 બેઠકોની જરૂર પડે છે.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાએ 224 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ માટે 122-140 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતીની આગાહી કરી હતી અને ભાજપને 62-80 બેઠકો આપી હતી. આ પોલમાં જેડી(એસ)ને 20-25 બેઠકોનો અંદાજ છે.
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યએ પણ કોંગ્રેસને 120 બેઠકો સાથે બહુમતીની આગાહી કરી છે, જ્યારે ભાજપને 92 બેઠકો અને JD(S)ને 12 બેઠકો આપવામાં આવી છે.
એબીપી ન્યૂઝ-સી વોટર એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 100-112 બેઠકો, ભાજપને 83-95 અને જેડી(એસ)ને 21-29 બેઠકો મળવાની ધારણા વ્યક્ત કરાઈ છે, જ્યારે રિપબ્લિક ટીવી-પી માર્ક્યુએ આગાહી કરી છે કે કોંગ્રેસને 94-108 બેઠકો, ભાજપ 85-100 અને JD(S) 24-32ને મળી શકે છે.
ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 110-120 અને ભાજપને 80-90 બેઠકો, જ્યારે JD(S)ને 20-24 બેઠકોની આગાહી કરાઈ છે. TV9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલમાં જણાવાયું છે કે કોંગ્રેસને 99-109, ભાજપને 88-98 અને જેડી(એસ)ને 21-26 બેઠકો મળવાની સંભાવના છે જ્યારે ઝી ન્યૂઝ-મેટ્રિઝ એજન્સીએ આગાહી કરી છે કે કોંગ્રેસને 103-118 બેઠકો મળશે, જયારે BJPને 79-94 અને JD(S)ને 25-33 બેઠકો મળી શકે છે.
ન્યૂઝ નેશન-સીજીએસ પોલમાં ભાજપને 114, કોંગ્રેસને 86 અને જેડી(એસ)ને 21 બેઠકો અપાઈ છે. સુવર્ણ ન્યૂઝ-જન કી બાતમાં આગાહી કરવામાં આવી છે કે ભાજપને 94-117, કોંગ્રેસને 91-106 અને જેડી(એસ) 14-24 બેઠકો મળી શકે છે. ટાઇમ્સ નાઉ-ઇટીજી એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 113 અને ભાજપને 85 બેઠકોને અંદાજ છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ કુલ 224માંથી 104 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, જ્યારે કોંગ્રેસ 80 અને JD(S) 37 બેઠકો મળી હતી. એક બેઠક અપક્ષને તથા BSP અને કર્ણાટક પ્રજ્ઞાવંત જનતા પાર્ટી ( KPJP)ને એક-એક બેઠક મળી હતી. કોઈપણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાથી કોંગ્રેસ અને જેડી(એસ) ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, ત્યારે ભાજપના બીએસ યેદિયુરપ્પાએ સરકારની રચના કરી હતી. વિશ્વાસ મત પહેલાં ત્રણ દિવસની અંદર તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધનએ કરીને કુમારસ્વામીને સીએમ બનાવ્યા હતા. પરંતુ 14 મહિનામાં 17 ધારાસભ્યોએ રાજીનામું આપતા સરકાર તૂટી પડી હતી. આ ધારાસભ્યો ભાજપ સાથે જોડાયા હતા અને ભાજપ સત્તા પર આવ્યો હતો.