અમેરિકામાં કેપિટોલ હિલ (સંસદ ભવન) ખાતે છ જાન્યુઆરી 2021ના રોજ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ હુમલો કર્યો તેના કાવતરામાં ચાર યુવાનો રાષ્ટ્રદ્રોહ બદલ દોષિત ઠર્યા છે.
ત્રણ મહિનાની ટ્રાયલ પછી જ્યુરીએ નીઓફાસિસ્ટ સંગઠનના ભૂતપૂર્વ ચેરમેન 39 વર્ષના એરિક ટેનરિયોને દોષિત માન્યો હતો. ટેરિયોના અન્ય ત્રણ સહયોગી 39 વર્ષના જોસેફ બિગ્સ, 32 વર્ષના ઇથન નોર્ડીયન અને 37 વર્ષના ઝાચરી રેહલને પણ જ્યુરીએ દોષિત ઠેરવ્યા હતા. જો કે ચોથા આરોપી ડોમિનિક પેઝોલાને કોર્ટે દોષિત માન્યો નહોતો.
એટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડે પત્રકારોને જણાવ્યું હતું કે છ જાન્યુઆરીના રોજ મેં ન્યાય વિભાગને વચન આપ્યું હતું કે આપણી લોકશાહી પર હુમલો કરનારાઓને દોષિત ઠેરવવા માટે વિભાગ બધુ કરી છૂટશે. નવી સરકારને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ આવશ્યક અને બંધારણીય પગલું છે.
ગાર્લેન્ડે જણાવ્યું હતું કે આ ચુકાદાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ન્યાય વિભાગ અમેરિકન લોકો અને અમેરિકન લોકશાહીને બચાવવા માટે બધુ કરી છૂટવા તૈયાર છે. ટેરિયો છ જાન્યુઆરીથી વોશિંગ્ટનમાં નથી, પરંતુ તેના પર કેપિટોલ હિલ પરના હુમલાખોરોને દોરવણી આપવાનો તથા ડેમોક્રેટ જો બાઇડેને ટ્રમ્પ પર વિજય મેળવ્યો તેનું કોંગ્રેસ દ્વારા આપવામાં આવતું સર્ટિફિકેશન અટકાવવા પ્રયત્ન કરવાનો આરોપ છે.
જો કે બધા ગુનેગારો પર બીજા કેટલાક આરોપો પણ છે. તેમા કોંગ્રેસની પ્રક્રિયામાં અવરોધ અને કાનૂની અમલીકરણની પ્રક્રિયામાં અવરોધ સર્જવો તથા સરકારી મિલકતને નુકસાન કરવાનો સમાવેશ થાય છે.
45 વર્ષના પેઝોલા અમેરિકન સંપત્તિની લૂંટના આરોપમાં દોષિત ઠર્યો છે. છ જાન્યુઆરીના રોજ વ્યાપકપણે દેખાયેલા ફૂટેજમાં જોવા મળ્યું હતું કે પેઝોલા ચોરેલા પોલીસ રાયટ શીલ્ડનો ઉપયોગ કરી કેપિટોલ હિલ ખાતે શીલ્ડ તોડતો દેખાયો હતો.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના લગભગ એક હજારથી વધુ સમર્થકોએ કેપિટોલ હિલ ખાતે ઉત્પાત મચાવ્યો હતો, તોડફોડ કરી હતી અને હિંસા આચરી હતી. એ બનાવોમાં 600થી વધુને સજા થઈ છે. પરંતુ મોટાભાગનાને રાયટિંગની સજા થઈ છે. આટલા બધામાંથી માંડ ડઝનેકને રાષ્ટ્રદ્રોહ બદલ દોષિત ઠરાવાયા સજા કરવામાં આવી છે.