રાજ્યાભિષેક સમારંભમાં ભારતીય મૂળના હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકે બાઈબલનો એક પાઠ વાંચીને ઈતિહાસ સર્જ્યો હતો. ૪૨ વર્ષીય બ્રિટિશ હિન્દુ નેતા સુનકે રાજ્યાભિષેક સમયે બ્રિટનના વડાપ્રધાનોને આપવામાં આવતી વાંચનની પરંપરાને અનુસરતા ન્યૂ ટેસ્ટામેન્ટમાંથી કોલોસિયન્સનું વાંચન કર્યું હતું.
રિશિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મુર્તિએ યુનાઈટેડ કિંગ્ડમના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકને વેસ્ટમિંસ્ટર એબીમાં લઈ જતા ફ્લેગ બેરીયરના સરઘસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાની પૂર્વ સંધ્યાએ સુનકે કહ્યું હતું કે, એબીમાં ૧,૦૦૦ વર્ષથી રાજાને તાજ પહેરાવવામાં આવે છે. આ વખતે પહેલી વખત દરેક ધર્મના પ્રતિનિધિઓ કેન્દ્રીય ભૂમિકામાં જોવા મળશે. રાજા ચાર્લ્સ-૩ અને રાણી કેમિલાનો રાજ્યાભિષેક એક રાષ્ટ્રીય ગર્વની બાબત છે.
કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેકઃ અન્ય કોઈ દેશ આવું પ્રદર્શન કરી શક્યો નથીઃ સુનક
વડાપ્રધાન ઋષિ સુનકે ગત શનિવારે કિંગ ચાર્લ્સ-3ના રાજ્યાભિષેકને દેશના ઈતિહાસના અને તેની આધુનિકતાના પ્રદર્શન તરીકે બિરદાવતા જણાવ્યું હતું કે, અન્ય કોઈ દેશ આવું “પ્રભાવી પ્રદર્શન” કરી શકશે નહીં. ચાર્લ્સ અને તેમનાં પત્ની કેમિલાને લંડનના વેસ્ટમિન્સ્ટર એબે ખાતે લગભગ 1,000 વર્ષ જૂના વારસા સાથેના ઉત્સાહભર્યા વાતાવરણમાં તાજ પહેરાવવામાં આવ્યો હતો. સુનકે કહ્યું હતું કે આ “રાષ્ટ્રીય ગૌરવની અસામાન્ય ક્ષણ” હતી. “પણ આ માત્ર એક નજારો નથી. આ આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓની ગૌરવપૂર્ણ અભિવ્યક્તિ છે. આપણા દેશની આધુનિકતાનું આબેહૂબ પ્રદર્શન રજૂ કરાયું છે. આત્મસન્માનના સંસ્કાર દ્વારા એક નવા યુગનો આરંભ થાય છે. સરઘસો, મોજ-મસ્તી, વિવિધ સમારંભો અને પાર્ટીઓ દ્વારા અન્ય કોઇ દેશ આટલું આકર્ષક પ્રદર્શન કરી શક્યો નથી.”
સુનકે જણાવ્યું હતું કે, એબે ખાતે સમારોહ, જ્યાં 1066થી ઇંગ્લેન્ડ અને બ્રિટનના રાજાઓનો રાજ્યાભિષેક થયો છે ત્યાં પ્રથમવાર દરેક ધર્મના પ્રતિનિધિઓ સામેલ થયા છે.