ભારતીય અભિનેત્રી સોનમ કપૂરે કિંગ ચાર્લ્સ-3 અને રાણી કેમિલાની તાજપોશીની ઉજવણી માટેના કોરોનેશન કોન્સર્ટમાં કોમનવેલ્થ વિશે સંબોધન કર્યુ હતુ. આ ઇવેન્ટમાં પોપ સ્ટાર્સ કેટી પેરી અને ટેક ધેટનું પણ પર્ફોર્મન્સ હતું. આ કોન્સર્ટ રવિવારે સાંજે વિન્ડસર કેસલ ખાતે યોજાઈ હતી.
અનામિકા ખન્ના-એમિલિયા વિકસ્ટેડ ડ્રેસમાં સજ્જ સોનમે ‘નમસ્તે’ સાથે તેના સંબોધનની શરૂઆત કરી જણાવ્યું હતું કે, “આપણું કોમનવેલ્થ એક સંઘ છે. તે સાથે મળીને, આપણે વિશ્વના એક તૃતિયાંશ લોકો છીએ. વિશ્વના મહાસાગરનો એક તૃતિયાંશ હિસ્સો અને વિશ્વની જમીનનો એક ક્વાર્ટર આપણે છીએ. “આપણા સંઘનો દરેક દેશ અનન્ય છે; આપણા દરેક લોકો ખાસ છે, પરંતુ અમે અમારા ઇતિહાસમાંથી શીખીને એક તરીકે ઊભા રહેવાનું પસંદ કરીએ છીએ; અમારી વિવિધતા દ્વારા આશીર્વાદ; અમારા મૂલ્યો દ્વારા સંચાલિત; અને દરેક માટે વધુ શાંતિપૂર્ણ, ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે સંકલ્પબદ્ધ; જ્યાં દરેક અવાજ સંભળાય છે,” એમ 37-વર્ષની આ અભિનેત્રીએ તેના ટૂંકા સંબોધનમાં જણાવ્યું હતું.
તેના પછી તેણે સુપ્રસિદ્ધ સંગીતકાર સ્ટીવ વિનવુડની સાથે કોમનવેલ્થ વર્ચ્યુઅલ ગાયકવૃંદની કૃતિ રજૂ કરી હતી, જેમાં 56 કોમનવેલ્થ દેશોના કલાકારો હતા. 70-પીસ ઓર્કેસ્ટ્રા સાથે તેમના ગીત “હાયર લવ” નું વર્ઝન રજૂ કરાયું હતું.
“આ મહત્વના પ્રસંગે મારા મિત્રો અનામિકા અને એમિલિયાએ બનાવેલો ડ્રેસ પહેરીને મને ખૂબ ગર્વ થયો છે,” સોનમનું સાસરું દિલ્હી છે અને પિયર મુંબઈ છે. સોનમે ખાસ કરીને કોમનવેલ્થના બે ડિઝાઇનરો દ્વારા આ ઐતિહાસિક પ્રસંગ માટે બનાવેલ ડિઝાઇનવાળો ડ્રેસ પહેર્યો હતો. બેસ્પોક ફ્લોર-લેન્થ ગાઉન જેમાં ખભાની આસપાસ સ્વીપિંગ બેન્ડ હતી, જેમાં કોર્સેટેડ બોડિસ અને સંપૂર્ણ સ્કર્ટ હતી.
આર્કિટેક્ચરલ ગોડેટ પ્લીટ્સ સાથે તે ન્યૂઝીલેન્ડમાં જન્મેલી યુકે સ્થિત ફેશન ડિઝાઇનર એમિલિયાએ ડિઝાઇન કર્યો હતો. કેલિકો પ્રેરિત પ્રિન્ટ પ્રખ્યાત ભારતીય ફેશન ડિઝાઇનર અનામિકા દ્વારા બનાવવામાં આવી હતી. 17મી અને 18મી સદીમાં, કેલિકો પ્રિન્ટ્સ ભારત-બ્રિટન વચ્ચે વેપાર થતી એક મહત્વપૂર્ણ કોમોડિટી હતી.
એક અખબારી યાદી અનુસાર, લંડન સ્થિત ભારતીય ક્રિએટિવ ડાયરેક્ટર નિખિલ માનસેતા બંને ડિઝાઇનરોને એક ડ્રેસ માટે સાથે લવાયા હતા, જેમણે કહ્યું હતું કે અનામિકા અને એમિલિયાએ “આધુનિક ડિઝાઇન અને પરંપરાગત ભારતીય હસ્તકલા એક સાથે આવે છે ત્યારે કેવું મૂલ્ય સર્જાય છે તેનું નિદર્શન આ ડ્રેસ દ્વારા પૂરુ પાડ્યું છે”.કોરોનેશન કોન્સર્ટમાં સોનમની સાથે તેનો પતિ એન્ટ્રપ્રનર આનંદ આહુજા અને મિત્રો ઈમરાન આમદ અને માનસેતા પણ હતા.