મિશિગન હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં દિવાળી, વૈશાખી અને ઇદ પ્રસંગે જાહેર રજા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. મિશિગન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારતીય અમેરિકન સભ્ય રાજીવ પુરીએ એપ્રિલના અંતિમ સપ્તાહમાં કાયદાકીય નીતિગત ઘડવૈયાના ભાગરૂપે સાઉથ એશિયન કમ્યુનિટીને અસર કરતું આ બિલ રજૂ કર્યુ હતું. પુરી ગયા નવેમ્બરમાં ચૂંટાયા હતા અને આ વર્ષે પહેલી જાન્યુઆરીથી બે વર્ષ માટે ઓફિસ સંભાળવાના છે. 21મી એપ્રિલના રોજ ડિસ્ટ્રિક્ટ 24નું પ્રતિનિધિત્વ કરતા પુરીએ મેજોરિટી ફ્લોર લીડર અબ્રાહમ ઐયાસની સાથે સ્ટેટ હોલિડે બિલ પેકેજ રજૂ કર્યુ હતુ અને સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ શેરોન મેકડોનેલે દિવાળી, વૈશાખી, ઇદ-ઉલ-ફિત્ર, ઇદ-અલ-અધા અને લ્યુનાર ન્યૂ યરને મિશિગનમાં રાજ્ય માન્યતા પ્રાપ્ત જાહેર રજા ગણવાનું બિલ રજૂ કર્યુ હતું.
આ બધા તહેવારોની ઉજવણીની રજાને માન્યતા આપવાનું કારણ રાજ્યમાં વંશીય અને ધાર્મિક વૈવિધ્યતાનું સન્માન કરવાનું છે, એમ ઐયાસને ટાંકીને અખબારી યાદીએ જણાવ્યું હતું. આ રજાઓને સત્તાવાર જાહેર રજા બનાવવાથી મિશિગનના બીજા સમાજો પણ જાણશે કે તેમનું રાજ્ય કેટલું વૈવિધ્યસભર છે અને દરેક માટે ઉજવણીનો વધુ એક પ્રસંગ બનશે.