મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં મંગળવારે એક પેસેન્જર બસ પુલ પરથી પડી જતાં ત્રણ બાળકો અને 10 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 22 લોકોના મોત થયાં હતાં અને અન્ય 31 લોકો ઘાયલ થયા હતા. ખરગોન સબ-ડિવિઝનલ ઓફિસર (પોલીસ) રાકેશ મોહન શુક્લાએ જણાવ્યું કે ઇન્દોર તરફ જતી બસ જિલ્લા મુખ્યાલયથી લગભગ 34 કિમી દૂર ડોંગરગાંવ નજીક બોરાડ નદીના પુલ પર પુલની રેલિંગ તોડીને પડી ગઈ હતી.
આ બસ 50 ફૂટ ઊંચા પુલ પરથી નદીમાં જઈને પડી હતી. આ બસમાં 35થી પણ વધારે મુસાફરો સવાર હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક તંત્ર અને પોલીસને થતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકોમાં બસનો ડ્રાઈવર, કંડક્ટર અને ક્લીનર પણ સામેલ છે. દુર્ઘટનાની જાણ થતાં જ ખરગોનના એસપી, કલેક્ટર અને ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ખરગોન જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને ચાર લાખ રુપિયાની રાહત આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને રુપિયા 50 હજાર અને સાધારણ ઈજા થયેલા લોકોને રુપિયા 25 હજારની રાહત આપવામાં આવશે.