રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રવિવારે ચોંકાવનારો દાવો કર્યો હતો કે 2020માં તેમની સરકાર સામે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો ત્યારે વસુંધરા રાજે અને ભાજપના અન્ય બે નેતાઓએ તેમની સરકાર બચાવવામાં મદદ કરી હતી. કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ધર્મેન્દ્ર પ્રધાને સાથે મળીને મારી સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. તેઓએ રાજસ્થાનમાં પૈસા વહેંચ્યા હતાં અને તેઓ હવે પૈસા પાછા લઈ રહ્યાં નથી.
અહીં ઉલ્લેખનીય છે કે જુલાઈ 2020માં તત્કાલિન નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ અને કોંગ્રેસના બીજા 18 ધારાસભ્યોએ ગેહલોત સરકાર સામે બળવો કર્યો હતો. પાર્ટી હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ મહિના સુધી ચાલેલી રાજકીય કટોકટીનો અંત આવ્યો હતો.
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર પણ પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ ભાજપ પાસેથી લીધેલા પૈસા પરત કરવા જોઈએ, જેથી તેઓ કોઈપણ દબાણ વિના તેમની ફરજ નિભાવી શકે. ધોલપુરમાં એક કાર્યક્રમને સંબોધતા ગેહલોતે કહ્યું હતું કે ભાજપના ત્રણ નેતાઓને કારણે તેમની સરકાર બચી ગઈ હતી. ભાજપના આ નેતાઓમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે, વિધાનસભા પૂર્વ અધ્યક્ષ કૈલાશ મેઘવાલ અને ધારાસભ્ય શોભરાણી કુશવાહનો સમાવેશ થાય છે.
ગેહલોતે જણાવ્યું હતું કે “મેં ધારાસભ્યોને કહ્યું છે કે તેઓએ રૂ.10 કરોડ અથવા રૂ.20 કરોડ, જે કોઇ નાણા લીધા હોય અને તેમાંથી ખર્ચ કર્યો હોય તો તે પરત કરવા જોઇએ. તેમાંથી ખર્ચનો અમુક હિસ્સો હું આપીશ અથવા અથવા હું AICC (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી) પાસેથી વ્યવસ્થા કરીશ.