ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બહુમતી મૈતેઇ સમુદાયને અનામતને મુદ્દે 3 મેથી શરૂ થયેલી હિંસામાં આશરે 54 લોકોના મોત થયા હતા. રાજ્યની સ્થિતિ અજંપાભરી સ્થિતિ હતી. સુરક્ષા દળો દ્વારા કર્ફ્યુ અને ફ્લેગ માર્ચ સતત ચાલુ છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તમામ સમુદાયોના આસરે 23,000 નાગરિકોને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે અને હિંસાગ્રસ્ત મણિપુરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે.
દરમિયાન, હવાઈ જાસૂસી માટે તૈનાત આર્મી ડ્રોન અને હેલિકોપ્ટરની જાગરૂક નજર હેઠળ જનજીવન સામાન્ય થવાનું શરૂ થયું છે.રાજ્યમાં બહુમતી મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં સમાવિષ્ટ કરવાના વિરોધ વચ્ચે આદિવાસી સમુદાયોએ એક રેલી કાઢી હતી. આ પછી મૈતેહી અને આદિવાસીઓ સમુદાયોએ એકબીજા પર હુમલા કર્યા હતા અને મકાનોમા મોટાપાયે તોડફોળ અને આચચંપી કરી હતી. મૈઇતી સમુદાય અને આદિવાસીઓ વચ્ચેની હિંસાની શરૂઆત બુધવારે થઈ હતી. બહુમતી મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના પગલાનો વિરોધ કરવા નાગા અને કુકી આદિવાસીઓએ ‘આદિજાતિ એકતા માર્ચ’નું આયોજન કર્યું તે પછી બંને પક્ષો એકબીજા પર હુમલા અને વળતા હુમલા કરી રહ્યાં છે.
હિંસા વધુ વકરતા રાજય સરકારે ગુરુવારે આત્યંતિક કેસોમાં ‘શૂટ એટ સાઈટ’ના આદેશ જારી કર્યા હતા. વ્યાપક રમખાણોને કાબૂમાં લેવા માટે આર્મી અને આસામ રાઈફલ્સની 50 ટુકડી તૈનાત કરવી પડી હતી. રાજ્ય સરકારે ગુરુવારે નિવૃત્ત IPS અધિકારી અને CRPFના ભૂતપૂર્વ વડા કુલદિપ સિંહની સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરી છે.
આર્મી, CRPF, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનો રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. સરકારે હવે ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. રાજધાની ઇમ્ફાલના બજારો શનિવારે સાંજે ખુલી ગયા હતા. જોકે, પહાડી વિસ્તારોમાં ઉગ્રવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના અહેવાલ મળ્યાં હતા.