Why was A R Rahman criticized?
(ANI Photo/ANI Pics Service)

વિશ્વવિખ્યાત બોલીવૂડ સંગીતકાર એ.આર. રહેમાનને તેના ભાષા પ્રેમ માટે ટિકાઓનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન તેણે પત્ની સાયરા બાનુને હિન્દીમાં નહીં, પરંતુ તમિલમાં બોલવાની સૂચના આપી હતી. ચેન્નાઈ ખાતે યોજાયેલા એવોર્ડ શોમાં એન્કરે સાયરા બાનુને સ્ટેજ પર બોલાવ્યા હતા. તેઓ રહેમાનની બાજુમાં આવીને ઊભા રહી ગયા હતા. એન્કરે જ્યારે સાયરા બાનુને બોલવાનું કહેતા રહેમાને હિન્દીમાં નહીં બોલવાની સૂચના આપી હતી.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં રહેમાન અને સાયરા સાથે ઊભેલા છે. રહેમાને તમિલમાં જણાવ્યું હતું કે, મને મારા ઈન્ટરવ્યૂ વારંવાર જોવાનું પસંદ નથી. જોકે, સાયરાને મારો અવાજ ખૂબ પસંદ છે અને તેથી તે વારંવાર ઈન્ટરવ્યૂ જોયા કરે છે. બાદમાં એન્કરે સાયરા બાનુને બોલવાનું કહ્યું હતું. સાયરા બોલવાની શરૂઆત કરે તે પહેલાં જ રહેમાને સૂચના આપી હતી કે, હિન્દીમાં ના બોલશો. તમિલમાં જ વાત કરો. સાયરાએ તેમની આંખો બંધ કરી અને ભગવાનને યાદ કર્યા. પછી કહ્યું કે, તેમનું તમિલ સારું નથી, તેથી માફ કરજો. હું રહેમાનના અવાજના પ્રેમમાં પડી હતી. રહેમાન અને સાયરાએ 1995માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ સંતાનો પણ છે.

રહેમાને અગાઉ હિન્દી ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું હતું. તેમનું મ્યૂઝિક સુપરહિટ રહ્યું હતું, પરંતુ બોલીવૂડનો માહોલ રહેમાનને માફક આવ્યો નહોતો. આથી પછી તેણે ચેન્નાઈમાં જ સ્ટુડિયો ઊભો કર્યો અને વર્ષો સુધી બોલીવૂડથી દૂર રહ્યા. તેની નવી ફિલ્મ પોન્નિયન સેલ્વન 2 થોડા દિવસ પહેલા જ રીલીઝ થઇ છે. જેમાં રહેમાનનું મ્યૂઝિક છે. હિન્દી ઓડિયન્સ પણ આ ફિલ્મને જોવા માટે થીયેટર સુધી પહોંચે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. આવા સમયે રહેમાને હિન્દી ભાષા પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હોવાનું કેટલાક નેટિઝન્સ માની રહ્યા છે. રહેમાનને હિન્દી ભાષા ન ગમતી હોય તો તેમણે હિન્દી ઓડિયન્સ પાસે પણ અપેક્ષા ન રાખવી જોઈએ તેવી કોમેન્ટની વચ્ચે કેટલાકે રહેમાનનો બચાવ પણ કર્યો હતો. રહેમાનનું આ વલણ તમિલ ભાષા પ્રત્યેનો આદર વ્યક્ત કરી રહ્યો હોવાની કોમેન્ટ્સ પણ આવી હતી અને દરેકે પોતાની માતૃભાષા માટે આવો જ આદર રાખવો જોઈએ તેવી સલાહ આપી હતી.

LEAVE A REPLY