યુકેના નવા કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાનો રાજ્યાભિષેક સમારોહ વેસ્ટમિંસ્ટર એબે ચર્ચમાં શરૂ થઈ ગયો છે. આર્કબિશપે કિંગ ચાર્લ્સના નવા રાજા બનવાની જાહેરાત કરી હતી. કિંગ ચાર્લ્સે ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ બાઇબલ પર હાથ મૂકીને શપથ લીધા હતા. કિંગ ચાર્લ્સે હંમેશા કાયદાનું પાલન કરવા અને એક પ્રમાણિક પ્રોટેસ્ટેન્ટ રહેવાના શપથ લીધા હતા. સમારંભમાં સામેલ થયેલા લોકોએ ‘ગોડ સેવ ધ કિંગ’ ગીતનું ગાન કર્યું હતું. આર્કબિશપે ત્યાં હાજર તમામ ધર્મના લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ એવા વાતાવરણને પ્રોત્સાહન આપે છે જેમાં તમામ ધર્મના લોકોને સમાન રીતે સન્માન આપવામાં આવે છે.
કિંગ ચાર્લ્સે શપથ લીધા પછી બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનકે બાઇબલમાંથી એક પ્રકરણનું વાંચન કર્યું હતું
બ્રિટિશ રાજવી પરિવારમાં 70 વર્ષ પછી આ સમારોહ યોજાયો છે. અગાઉ 1953માં રાણી એલિઝાબેથ દ્વિતીયને બ્રિટિશ તાજ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારે તેઓ 27 વર્ષનાં હતાં અને પ્રિન્સ ચાર્લ્સ 4 વર્ષના હતા. અત્યારે કિંગ ચાર્લ્સ 74 વર્ષના છે.
લંડનમાં ખરાબ હવામાનની ચેતવણીઓ હોવા છતાં કિંગનો કાફલો નિયત માર્ગ પરથી પરથી પસાર થયો છે અને તેમને જોવા માટે માર્ગ પર હજારો લોકોની ભીડ જામી છે. બકિંગહામ પેલેસની બહાર, ધ મોલ અને વેસ્ટમિન્સ્ટર એબેની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પરિવાર સાથે રોડ, પાર્ક અને ફૂટપાથ પર જોવા મળે છે. આ રાજ્યાભિષેક સમારોહમાં હાજરી આપવા માટે 200 રાષ્ટ્ર પ્રમુખો અને અનેક મહાનુભાવોને સમારોહમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે, પરંતુ બ્રિટિશ રાજવી પરિવારની નાની પુત્રવધૂ મેગન મર્કેલ આ સમારોહમાં હાજર નથી. મીડિયામાં જણાવ્યા મુજબ ડચેઝ ઓફ સસેક્સ મેગન મર્કેલને આ રાજવી સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. જોકે આ કાર્યક્રમમાં મેગનના પતિ પ્રિન્સ હેરીને હાજર રહેશે. બકિંગહામ પેલેસે જાહેરાત કરી છે કે ડચેઝ ઓફ સસેક્સ મેઘન મર્કેલ તેનાં બે બાળકો પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટ સાથે કેલિફોર્નિયામાં જ રહેશે. આ દરમિયાન બ્રિટિશ રાજાશાહી વિરોધી ગ્રુપ રિપબ્લિકના સમર્થકો આ રાજ્યાભિષેકનો વિરોધ કરી રહ્યા છે. પોલીસે 6 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.
બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ સમારોહમાં ફ્લેગ બિયરર્સના કાફલાનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજ્યાભિષેક દરમિયાન કિંગ ચાર્લ્સ 700 વર્ષ જૂની સેન્ટ એડવર્ડની ખુરશી પર બિરાજમાન થશે. તેમના રાજ્યાભિષેક માટે 12મી સદીનો સોનાનો ચમચો અને પવિત્ર તેલનો ઉપયોગ કરવામાં આવશે.
કહેવાય છે કે પ્રિન્સ હેરી શુક્રવારે પત્ની મેગન વગર સમારોહ માટે લંડન પહોંચ્યા હતા. સમારોહમાં તેમની કોઈ ઔપચારિક ભૂમિકા રહેશે નહીં.
કિંગ ચાર્લ્સના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુને પણ સમારોહમાં કોઈ ભૂમિકા આપવામાં આવી નથી. સેક્સ સ્કેન્ડલમાં ફસાયા પછી ચાર્લ્સે તેમની રાજવી પરિવારમાંથી હકાલપટ્ટી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્વીન એલિઝાબેથનું ગત વર્ષે 8 સપ્ટેમ્બરે નિધન થયું હતું. ત્યારે તેઓ 96 વર્ષના હતા. તેમના મૃત્યુ પછી પ્રિન્સ ચાર્લ્સને યુકેના નવા રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. એલિઝાબેથને તેમના પિતા કિંગ આલ્બર્ટના મૃત્યુ પછી રાણી જાહેર કરવામાં આવ્યા હતાં, પરંતુ સોળ મહિના પછી, જૂન 1953માં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો.