ગોવામાં કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભૂટ્ટોએ આતંકવાદ સામે લડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી ત્યારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ત્રાસવાદીઓએ કરેલા વિસ્ફોટમાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતાં અને મેજર કક્ષાના એક અધિકારી ઇજાગ્રસ્ત થયાં હતાં.
રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં આર્મીની કાર્યવાહી દરમિયાન આ વિસ્ફોટ કર્યો હતો. જોકે આર્મીનું અભિયાન ચાલુ રહ્યું હતું અને ત્રાસવાદીઓને ઘેરી લીધા હતા. સવારે રાજૌરી સેક્ટરમાં ઓપરેશન દરમિયાન સ્પેશિયલ ફોર્સ સાથે જોડાયેલા બે આર્મી જવાનો શહીદ થયાં હતાં અને મેજર સહિત ચાર ઘાયલ થયાં હતાં. તેમાંથી ત્રણ જવાનોના ઉધમપુરની હોસ્પિટલમાં મોત થયાં હતાં. આર્મીની કાર્યવાહીમાં ત્રાસવાદીઓને પણ મોટી જાનહાની થઈ હોવાનું મનાય છે. મોડી રાત સુધી આર્મીનું અભિયાન ચાલુ હતું.
ગત મહિને પૂંચ જિલ્લામાં આર્મી ટ્રક પરના હુમલામાં સંડોવાયેલા ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમીને આધારે આર્મીએ આ ઓપરેશન ચાલુ કર્યું હતું. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ સ્વીકારી હતી. શુક્રવારના હુમલા પહેલા પૂંચ અને રાજૌરી જિલ્લાની સીમા પર ઓક્ટોબર 2021થી સાત મોટી આતંકી ઘટનાઓ બની છે, જેમાં 22 સૈનિકો સહિત 29 લોકોના મોત થયા છે. આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ હોવાથી રાજૌરી વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા સ્થગિત કરી દેવામાં આવી છે.