વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ માર્ચ 2023 ક્વાર્ટરમાં આશરે 10 ટન સોનું ખરીદ્યું હતું. તાજેતરની ખરીદીને પગલે રિઝર્વ બેન્ક પાસે સોનાની અનામતો વધીને 800 ટનની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી.
કોરોના મહામારી પછી રિઝર્વ બેંકે સોનાની મોટાપાયે ખરીદી કરી છે. આંકડા અનુસાર માર્ચ 2020થી માર્ચ 2023 વચ્ચે આરબીઆઈએ 137.19 ટન સોનું ખરીદ્યું હતું.. માત્ર ત્રણ વર્ષમાં RBIના ગોલ્ડ રિઝર્વમાં 79 ટકાનો ઉછાળો આવ્યો હતો. સોનું ખરીદવા મામલે આરબીઆઈ વિશ્વની મધ્યસ્થ બેન્કોની યાદીમાં 8માં ક્રમે રહી છે. આ સમયગાળા દરમિયાન વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી કરી છે. માર્ચ 2019 સુધીમાં આરબીઆઈ પાસે કુલ 612.56 ટન, માર્ચ 2020માં 653 ટન, માર્ચ 2021માં 695.31 ટન, માર્ચ 2022માં 760.42 ટન સોનાનો કુલ ભંડાર હતો અને હવે તે 790 ટનને વટાવી ગયો છે.