ફુગાવાને અંકુશમાં લેવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વે 14 મહિનામાં વ્યાજદરમાં 10મી વખત વધારો કર્યો હતો. વ્યાજદરમાં 0.25 ટકાના વધારા સાથે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં વ્યાજદરો 16 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યાં છે. જોકે ફેડે હવે વ્યાજદરમાં વધારા પર વિરામનો પણ સંકેત આપ્યો હતો.
લેટેસ્ટ રેટહાઇકને પગલે અમેરિકામાં બેન્ચમાર્ક રેટ વધીને 5% અને 5.25%ની રેન્જમાં આવી ગયા છે. માર્ચ 2022માં વ્યાજદર શૂન્યની નજીક હતો. ઊંચા દરોથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઋણ ખર્ચમાં તીવ્ર વધારો કર્યો છે, જે હાઉસિંગ જેવા ક્ષેત્રોમાં મંદીને લાવી શકે છે. વ્યાજદરમાં સતત વધારાને કારણે એક મહિનામાં ત્રણ બેન્કોનું પતન થયું છે.
ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે હવે એમ કહી રહ્યા નથી કે અમે વધારાના વ્યાજ દરમાં વધારો કરવાની અપેક્ષા રાખીએ છીએ”.ફેડે વ્યાજદરમાં વધારો ચાલુ કર્યા બાદ અમેરિકામાં ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે. માર્ચમાં ફુગાવો 5 ટકા રહ્યો હતો, જે બે વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. જોકે ફેડના લક્ષ્યાંક કરતાં તે ઘણો ઊચો છે. ફેડ ફુગાવાને બે ટકાની રેન્જમાં રાખવા માગે છે.