કેરળમાં મહિલાઓના ઇસ્લામમાં બળજબરીથી ધર્માંતરણ અને કટ્ટરપંથી બનાવવા અંગેની ફિલ્મ કેરળ સ્ટોરીએ મોટો વિવાદ ઊભો કર્યો છે. ફિલ્મની રિલીઝને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત, ‘ધ કેરાલા સ્ટોરી‘માં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદના મુખ્ય કલાકારો છે છે અને 5 મેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ બળજબરીપૂર્વકના ધર્માંતરણ આસપાસ કેન્દ્રિત છે અને દાવો કરે છે કે કેરળમાં આશરે 32,000 મહિલાઓને ઇસ્લામમાં કન્વર્ટ કરવામાં આવી હતી અને ઘણી મહિલાઓને આતંકી સંગઠન ISIS શાસિત સીરિયામાં લઈ જવામાં આવી હતી.
સૌથી ખરાબ પ્રકારના હેટ સ્પીચ અને ઓડિયો વીડિયો પ્રોપેગેન્ડા ગણાવીને ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ મૂકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને ફિલ્મના નિર્માતાઓની ટીકા કરી હતી અને તેને “સંઘ પરિવાર”નો દુષ્પ્રચાર ગણાવ્યો હતો.
કોંગ્રેસના નેતા શશિ થરૂરે ફિલ્મના નિર્માતાઓ પર રાજ્યની વાસ્તવિકતાની “ઘણી અતિશયોક્તિ” અને “વિકૃતિ” કરવાનો આરોપ મૂક્યો હતો. થરૂરે સોમવારે એક ટ્વીટ કર્યું કે ઓફર કરી હતી કે કેરળમાં 32,000 મહિલાઓને કથિત રૂપે ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું તેવું પુરવાર કરનારને તેઓ ₹1 કરોડનું ઇનામ આપશે. ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેન અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ ભારપૂર્વક કહે છે કે ‘ધ કેરળ સ્ટોરી‘ સત્ય ઘટનાઓ પર આધારિત છે.