બ્રિટિશ સરકાર દ્વારા બુધવારે ફેઇથ જૂથો સાથેના જોડાણ માટે સોંપવામાં આવેલી એક મોટી સ્વતંત્ર સમીક્ષા ધ બ્લૂમ રિવ્યુમાં કેટલાક ખાલિસ્તાન તરફી કાર્યકરોની “વિનાશક, આક્રમક અને સાંપ્રદાયિક” ગતિવિધિઓ સામે ચેતવણી આપી આવા જૂથો વધુ સક્રિય ન થાય તથા યુકેની સંસદમાં અજાણતા પ્રવેશની મંજૂરી ન મળે તે સુનિશ્ચિત કરવા પગલાં લેવા આહ્વાન કર્યું હતું.

સ્વતંત્ર ફેઈથ એંગેજમેન્ટ એડવાઈઝર કોલિન બ્લૂમ દ્વારા સરકાર ફેઇથ સાથે કેવી રીતે જોડાય છે તેના જાહેર પરામર્શ માટે 21,000થી વધુ લોકોના પ્રતિભાવો મેળવાયા હતા. ‘શીખ ઉગ્રવાદ’ શીર્ષકવાળા વિભાગમાં બ્રિટિશ શીખ સમુદાયના સભ્યોએ ખાલિસ્તાન તરફી વિધ્વંસક કથાને આગળ ધપાવવા શીખ ધર્મને “હાઇજેક” કરવા માટે નાના પરંતુ અત્યંત અવાજવાળા જૂથ બાબતે વધતી ચિંતા વ્યક્ત કરી હતી.

તેમાં જણાવાયું હતું કે ‘’બ્રિટિશ શીખોની એક નાનકડી, અત્યંત અવાજવાળી અને આક્રમક લઘુમતીને ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ તરીકે વર્ણવી શકાય છે, જે વંશીય-રાષ્ટ્રવાદી એજન્ડાને પ્રોત્સાહન આપે છે. આમાંના કેટલાક ઉગ્રવાદીઓ ખાલિસ્તાન નામના સ્વતંત્ર રાજ્યની સ્થાપના માટે હિંસા અને ધાકધમકીનું સમર્થન કરવા અને ઉશ્કેરવા માટે જાણીતા છે. રસપ્રદ રીતે તેમની માંગમાં પાકિસ્તાન સ્થિત પંજાબનો ભાગ સામેલ નથી. ”

ધ બ્લૂમ રિવ્યુની ભલામણોમાં ભાર મૂકાય છે કે સરકારે બ્રિટિશ શીખ સમુદાયમાં ક્યાં ઉગ્રવાદી પ્રવૃત્તિ અસ્તિત્વમાં છે તે ઓળખવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે સરકાર અથવા સંસદીય જોડાણ દ્વારા અસ્વીકાર્ય અને ઉગ્રવાદી વર્તન “અજાણતામાં કાયદેસર” ન હોય. 159-પાનાના અહેવાલમાં કેટલાક બ્રિટિશ હિંદુઓની હતાશા પણ વ્યક્ત કરાઇ છે કે યુકેના રાજકારણમાં હિંદુ રાષ્ટ્રવાદીઓની સંડોવણી છે જે યુકેમાં ભારતીય સમુદાયોમાં વિભાજન પેદા કરી શકે છે.

આ રિપોર્ટમાં મદરેસાઓની યોગ્ય નોંધણી અને નિયમન માટે પણ કહેવાયું છે. કેમ કે હાલમાં કહેવાતા ફેઇથ આધારિત “આઉટ ઓફ સ્કૂલ સેટિંગ્સ” તરીકે તેની નોંધણી કરાવવાની જરૂર નથી.

LEAVE A REPLY