અગ્રણી વૈશ્વિક હિંદુ આધ્યાત્મિક નેતા, અગ્રણી હિંદુ સંત અને સતપુરૂષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ યુકે અને યુરોપની જનતામાં વિશ્વાસ, સેવા અને વૈશ્વિક સંવાદિતાને પ્રેરિત કરવા માટે તા. 2મે 2023ના રોજ સવારે 6-30 કલાકે પાંચ સપ્તાહની મુલાકાત માટે લંડન આવી પહોંચ્યા હતા. જેમનું સ્વાગત કરવા ઉમટી પડેલા હરીભક્તોએ મંદિરની હવેલીનો હોલ, ફોયર, જીમને છલકાવી દીધું હતું.
BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના વર્તમાન ગુરુ અને સંયુક્ત રાષ્ટ્ર સાથે સંલગ્ન આંતરરાષ્ટ્રીય સમુદાય આધારિત હિંદુ ફેલોશિપના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન, પૂજા, પ્રવચન સહિત વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન આગામી પાંચ સપ્તાહ દરમિયાન નોર્થવેસ્ટ લંડનના આઇકોનિક નીસડન મંદિર ખાતે કરવામાં આવ્યું છે. યુકે તથા યુરોપના જુદાજુદા શહેરો અને નગરોના દર્શનાર્થીઓ માટે મંદિર દ્વારા ચોક્કસ તારીખ અને સમય નક્કી કરાયા છે.
પૂ. મહંત સ્વામી મહારાજની મુલાકાત કોવિડ-19 રોગચાળા, કોસ્ટ ઓફ લીવીંગ ક્રાઇસીસ અને અન્ય વિવિધ પડકારોને કારણે અનિશ્ચિતતા અને પ્રતિકૂળતાનો અનુભવ કરનાર યુકેના સમુદાયોમાં નવી આશા, ઉર્જા અને ઉત્સાહ લાવશે.
આજે સવારે 6-30 કલાકે પ.પૂ. મહંત સ્વામી મહારાજ નીસડન સ્વામીનારાયણ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. આવતાની સાથે જ સૌ પ્રથમ તેમણે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા અને ત્યાંથી સીધા જ તેમને મંદિરમાં ઉપસ્થિત આશરે 3900 જેટલા હરિભક્તો સમક્ષ દર્શન માટે હોલમાં લઇ જવાયા હતા. જ્યાં ‘પ. પૂ. મહંત સ્વામી માહરાજની જય’ના જયઘોષ સાથે તેમણે હરિભક્તોને દર્શન આપ્યા હતા. આ પ્રસંગે મંદિરના કોઠારી સ્વામી પૂ. યોગ વિવેક સ્વામી અને પૂ. સત્યવ્રત સ્વામીએ પ. પૂ. મહંત સ્વામીને હાર પહેરાવીને તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
હજારો ભક્તો અને શુભેચ્છકો તેમના આગમનની અપેક્ષાએ વહેલી સવારના 4 વાગ્યાથી મંદિરમાં એકઠા થયા હતા, જેમાં પ્રેસ્ટનથી 200 માઈલથી વધુની મુસાફરી કરનાર દીપા દવેનો પણ સમાવેશ થાય છે. તેણીએ કહ્યું હતું કે “જ્યારે મેં તેમને પ્રથમ વખત પ્રાર્થના હોલમાં પ્રવેશતા જોયા, ત્યારે મને ગુસબમ્પ્સ આવી ગયા હતા! હું આનંદ અને શાંતિથી ભરાઈ ગઇ હતી. અમે છ વર્ષ સુધી તેમની રાહ જોઈ છે અને આજે તેઓ ફરીથી અહીં યુકેમાં અમારી સાથે છે, અને આગામી પાંચ અઠવાડિયા મારા બાળકો સહિત મારા પરિવાર માટે તેમની સાથેના અમારું જોડાણ મજબૂત કરવા અને અમારી આધ્યાત્મિક યાત્રામાં સાથે મળીને પ્રગતિ કરવાની ઘણી તકો લાવશે.”
રોગચાળા તેમજ અન્ય કોઇ રીતે ઇન્ફેક્શનન લાગે તે આશયે પૂ. મહંત સ્વામી માટે ખાસ કાચનું કવરીંગ ધરાવતી વ્હીલચેરની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત તેમણે સ્ટેજ પરથી પણ કાચની દિવાલ પાછળથી જ દર્શન આપ્યા હતા.
પ. પૂ. મહંત સ્વામી મહારાજનું ભવ્ય અને ભક્તિપૂર્ણ સ્વાગત કરવા હરિભક્તો પરંપરાગત વસ્ત્રો પહેરીને વહેલી સવારના 3-4 વાગ્યાથી જ નીસડન મંદિરે ઉમટી પડ્યા હતા. જેને કારણે મંદિરની શાળા, શાયોના તેમ ટેનીસ કોર્ટના કાર પાર્કીંગ ભરાઇ ગયા હતા. જેને કારણે પહેલાથી કરાયેલા આયોજન મુજબ ભક્તોને મંદિર નજીકના આઇકીયા કાર પાર્ક ખાતે ખસેડવા પડ્યા હતા. હરિભક્તોને સવારે 5 વાગ્યા સુધીમાં સભા હોલમાં બેસી જવા સલાહ આપવામાં આવી હતી.
પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અને સામુદાયિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશ્વાસને મજબૂત કરવા, સમુદાય સેવાને ગતિશીલ બનાવવા અને તમામ પેઢીઓ અને પશ્ચાદભૂના લોકોમાં સંવાદિતાની પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
મંદિરના ટ્રસ્ટી સંજય કારાએ જણાવ્યું હતું કે, “મહંત સ્વામી મહારાજની મુલાકાતના સમાચારે સમુદાયને ઉત્સાહિત કર્યો છે અને તેમનું આધ્યાત્મિક શાણપણ અને યુકેમાં અહીંની હાજરીથી ઘણો આશાવાદ, આનંદ અને સ્થિરતા આવશે.”
પૂ. મહંત સ્વામી મહારાજ આ અગાઉ 2017માં BAPS ના નેતા તરીકે પ્રથમ વખત યુકેની મુલાકાતે આવ્યા હતા અને 1970 થી અનેક પ્રસંગોએ યુકે અને યુરોપની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત તેમના મેજેસ્ટીઝ કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેક સાથે પણ સુસંગત હશે. આ મહત્વપૂર્ણ ઘટના અને સંબંધિત ઉજવણી અને સામુદાયિક કાર્યક્રમો પણ તેમની હાજરીમાં ચિહ્નિત કરવામાં આવશે.
પૂ. મહંત સ્વામી મહારાજ અને તેમની મુલાકાત વિશેની વિગતો માટે, કૃપા કરીને msm.neasdentemple.org ની મુલાકાત લો.