દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન રિનોવેશન કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાના વિવાદ વચ્ચે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ અધિકારીઓને આ અંગેના ખર્ચના રેકોર્ડ સુરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો અને 15 દિવસમાં આ બાબતે રિપોર્ટ માંગ્યો હતી.
ભાજપ કેજરીવાલ અને AAP પર પ્રહારો કરી રહ્યો છે અને દાવો કરે છે કે 2020-22 દરમિયાન મુખ્યપ્રધાનના નિવાસસ્થાન 6, ફ્લેગસ્ટાફ રોડના નવીનીકરણ પર 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. દિલ્હી સરકારના મુખ્ય સચિવને જારી કરાયેલ આદેશમાં જણાવાયું હતું કે આ અંગેના મીડિયા અહેવાલોની નોંધ લઈને અને મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નરે સૂચના આપી છે કે આ બાબતે તમામ સંબંધિત રેકોર્ડ્સ તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવે અને તેને રક્ષણાત્મક કસ્ટડીમાં લેવામાં આવે. આ પછી રેકોર્ડની તપાસ કર્યા પછી એક અહેવાલ આ મામલામાં લેફ્ટનન્ટ ગવર્નરના અવલોકન માટે 15 દિવસની અંદર સબમિટ કરો.
રિનોવેશન પાછળના કુલ ખર્ચમાં આંતરિક સુશોભન માટે રૂ.11.30 કરોડ, પથ્થર અને માર્બલ ફ્લોરિંગ માટે રૂ.6.02 કરોડ, ઇન્ટિરિયલ કન્સલ્ટન્સી માટે રૂ. 1 કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ ફિટિંગ અને એપ્લાયન્સિસ માટે રૂ.2.58 કરોડ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ માટે રૂ 2.85 કરોડ, કપડા અને એસેસરીઝ ફિટિંગ માટે રૂ.1.41 કરોડ અને કિચન એપ્લાયન્સિસ માટે રૂ. 1.1 કરોડનો ખર્ચ કરાયો હતો.