Wrestlers sitting on dharna in Delhi meet Priyanka Gandhi,
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ સિંહ સામેના વિરોધ દરમિયાન કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટ સાથે વાતચીત કરી હતી.(ANI Photo)

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખના રાજીનામાની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે સાત દિવસથી ચાલી રહેલા કુસ્તીબાજોના ધરણામાં શનિવાર (29 એપ્રિલે) રાજકીય નેતાઓની પણ એન્ટ્રી થઈ હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે સવારે 7.45 કલાકે કુસ્તીબાજોને મળ્યાં હતાં. આ પછી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ સાંજે 4 વાગ્યે આવ્યાં હતાં અને કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું. કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના રાજીનામાની માગણી કરી રહ્યાં છે.

ધરણાના સ્થળે પહોંચીને કેજરીવાલે જણાવ્યું હતું કે આ જગ્યા ખૂબ જ પવિત્ર છે. 2011માં અમે અહીંથી જ આંદોલન શરૂ કર્યું હતું અને દેશની રાજનીતિ બદલી નાખી છે. આ કુસ્તીબાજો અહીંથી જ દેશની રમત પ્રણાલીને બદલી નાખશે. મારી અપીલ છે કે જેઓ દેશને પ્રેમ કરે છે તેઓ રજા લઈને કુસ્તીબાજોને સમર્થન આપવા અહીં આવે. કેન્દ્ર સરકારને પણ અપીલ છે કે તેઓ અહીં વીજળી અને પાણી બંધ ન કરે.

બીજી તરફ બીજેપી સાંસદ અને ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ સિંહે કહ્યું હતું કે હું સંપૂર્ણપણે નિર્દોષ છું. હું ગુનેગાર તરીકે રાજીનામું આપીશ નહીં. ખેલાડીઓની ધરણા-પ્રદર્શન રાજકીય રીતે પ્રેરિત છે, તેમાં નેતાઓ અને મોટા ઉદ્યોગપતિઓનો સામેલ છે.

કેજરીવાલે કહ્યું હતું કે દેશના કુસ્તીબાજો એક અઠવાડિયાથી વિરોધ કરી રહ્યા છે, કારણ કે ભાજપના મજબૂત નેતાએ આપણી પુત્રીઓ સાથે ખરાબ વર્તન કર્યું છે. જે કોઈ પણ બહેન કે દીકરી સાથે અન્યાય કરે છે તેને તાત્કાલિક ફાંસી આપી દેવી જોઈએ. જેમને નામ રોશન કર્યું છે તેમને ન્યાય માટે લડવું પડે છે તે ખૂબ જ દુઃખદ બાબત છે.

સવારે પ્રિયંકા ગાંધી લગભગ એક કલાક સુધી વિરોધ સ્થળ પર રોકાયા હતાં. તેમણે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે 50 મિનિટ સુધી વાતચીત કરી હતી વાતચીતમાં વિનેશ અને સાક્ષી ભાવુક થઈ ગયા હતા. પ્રિયંકાએ વિનેશના માથા પર હાથ મૂકીને સાંત્વના આપી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે હજુ સુધી FIRની કોપી મળી નથી. સવાલ એ છે કે સરકાર બ્રિજ ભૂષણને કેમ બચાવી રહી છે.

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ‘કોઈને ખબર નથી કે જે FIR દાખલ કરવામાં આવી છે તેમાં શું છે. તેઓ તેને કેમ બતાવતા નથી? આ કુસ્તીબાજો મેડલ જીતે છે ત્યારે આપણે બધા ટ્વીટ કરીએ છીએ. ગર્વ અનુભવીએ છીએ. આજે તેઓ રસ્તા પર બેઠા છે. તેમને ન્યાય નથી મળતો. આ તમામ મહિલા કુસ્તીબાજોએ આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે અને મને સમજાતું નથી કે સરકાર બ્રિજ ભૂષણને કેમ રક્ષણ આપી રહી છે. બ્રિજભૂષણ પર આવા ગંભીર આરોપો છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ રહી નથી. સરકારે તેમને પદ પરથી હટાવવા જોઈએ. તેમણે રાજીનામું આપવું જોઈએ.

LEAVE A REPLY