The world premiere of 'Adipurush' will be held at the New York Film Festival
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન, દિગ્દર્શક ઓમ રાઉત અને નિર્માતા ભૂષણ કુમાર સાથે તેલુગુ અભિનેતા પ્રભાસ અયોધ્યામાં તેમની ફિલ્મ 'આદિપુરુષ'ના ટીઝર લૉન્ચ પહેલા રામ મંદિરમાં પૂજા કરવા ગયા.(ANI Photo)

ગત વર્ષે ટ્રોલર્સનો ભોગ બનેલી અને વીએફએક્સની અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ હવે રિલીઝ માટે તૈયાર છે. જૂન મહિનામાં ન્યૂયોર્ક ખાતે યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં તેનો વર્લ્ડ પ્રીમયર થશે અને પછી ફિલ્મ ભારતભરમાં થ્રી ડી ફોરમેટ સાથે રજૂ કરવામાં આવશે. ન્યૂયોર્કમાં 7થી 8 જૂન દરમયાન ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું છે. ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસે સોશયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 13મી જૂને એસ્કેપ ફ્રોમ ટ્રિબેકા સેક્શન હેઠળ ફિલ્મનું પ્રીમિયર થશે.

આ ફિલ્મમાં પ્રભાસની સાથે ક્રિતિ સેનન, સની સિંગ અને સૈફ અલી ખાન પણ છે. અજય દેવગણની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર દ્વારા ઓમ રાઉતે ફિલ્મ દિગ્દર્શનમાં કારકિર્દી શરૂ કરી હતી. આદિપુરુષનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું છે. ટ્રિબેકા ફેસ્ટિવલમાં પ્રીમિયરથી પોતે સન્માનિત થયા હોવાની લાગણી ઓમ રાઉતે વ્યક્ત કરી હતી. ઓમ રાઉતે જણાવ્યુ હતું કે, પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફેસ્ટિવલ દરમિયાન ન્યૂયોર્ક ખાતે ફિલ્મના પ્રીમિયર બદલ ટીમ આદિપુરુષના અથાક પ્રયાસો અને ટ્રિબેકાની જ્યૂરીનો આભાર માનું છું.

મેકર્સે આદિપુરુષ ફિલ્મને ભારતીય મહાકાવ્ય રામાયણની પુનઃકલ્પના તરીકે ઓળખાવ્યું છે. આ બિગ બજેટ ફિલ્મમાં એવા રાજકુમારની સ્ટોરી છે, જે દસ માથાવાળા રાક્ષસ પાસેથી પોતાની પત્નીને પરત મેળવવાના મિશન પર છે. 174 મિનિટની આ ફિલ્મને ઓમ રાઉત અને મનોજ મુંતશિર શુક્લાએ લખી છે. ટી સિરિઝ દ્વારા ફિલ્મને પ્રોડ્યુસ કરાઈ છે.

ગત વર્ષે ફિલ્મનું ટીઝર લોન્ચ થયા પછી વિવાદ શરૂ થયા હતા. વિઝ્યુઅલ ઈફેક્ટમાં હિન્દુ દેવતાઓની ગરિમા ઝંખવાતી હાવાનો અને રાવણના પાત્રનું ઈસ્લામીકરણ થયું હોવાના આક્ષેપ થયા હતા. સોશિયલ મીડિયા પર ભારે ટીકા બાદ ફિલ્મના વીએફએક્સ પર ફરી કામ થયું હતું. અગાઉ 11 ઓગસ્ટ, 2022ના રોજ ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન હતો. બાદમાં 12 જાન્યુઆરી નક્કી થઈ હતી.

હવે ત્રીજી તારીખ 16 જૂનની આવી છે. 16 જૂને આદિપુરુષને 3 ડી ફોર્મેટ સાથે થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા રિલીઝ થયેલા ટ્રેલરમાં ભગવાન રામ અને હનુમાનજીના પાત્રને પણ હિન્દુ માન્યતા અનુસાર રજૂ નહીં કરાયા હોવાના દાવા પણ થઈયા હતા. શરૂઆતના તબક્કાથી જ ટ્રોલર્સનો સામનો કરી રહેલી આ ફિલ્મ આખરે ત્રીજી રિલીઝ ડેટ પર આવી રહી છે. આ ફિલ્મની સફળતા પર પ્રભાસની કારકિર્દી આધારિત છે. બાહુબલિ બાદ એક પણ હિટ નહીં આપી શકેલા પ્રભાસને બ્લોકબસ્ટર ફિલ્મની જરૂર છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના બજેટમાં ભવ્ય વીએફએક્સ સાથે બનેલી આ ફિલ્મ ઓડિયન્સને કેટલી પસંદ આવે છે તે જોવું રહ્યું.

 

LEAVE A REPLY