કેલિફોર્નિયામાં જ્ઞાતિગત ભેદભાવ પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકતું બિલ રાજ્યની સેનેટ જ્યુડિશિયરી કમિટી દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલનો ઇન્ડિયન અમેરિકન બિઝનેસ અને મંદિર સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો.
કેલિફોર્નિયાની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ મંગળવારે સર્વસંમતિથી જ્ઞાતિવાદ વિરોધી ભેદભાવ બિલને સેનેટમાં મોકલવાની મંજૂરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આવું પ્રથમવાર બની રહ્યું છે કે, જ્યારે અમેરિકાની સ્ટેટ એસેમ્બલીએ જ્ઞાતિગત ભેદભાવ સંબંધિત કાયદા પર વિચાર કર્યો છે. જો બિલ પસાર થશે તો અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કેલિફોર્નિયા, જ્ઞાતિ આધારિત ગેરકાયદે પૂર્વગ્રહ દૂર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.
કેલિફોર્નિયાસ્થિત ઇક્વાલિટી લેબ્સના સ્થાપક અને ‘ધ ટ્રોમા ઓફ કાસ્ટ’ના લેખક થેનમોઝી સૌંદરરાજને જણાવ્યું હતું કે, “હું આજે ગર્વથી મારા જ્ઞાતિ-પીડિત સમુદાયના સભ્યો સાથે એકતામાં ઊભી છું. કેલિફોર્નિયાના લોકોને હવે તેમના અધિકાર મળશે. તેમને લગભગ એ સુરક્ષા મળી ગઈ છે જેના માટે તેઓ લડી રહ્યા હતા.“ 15 વર્ષથી ચાલી રહેલી લડાઈ અંગે સૌંદરરાજને જણાવ્યું હતું કે, આ બિલની જરૂર છે. અમારા રાજ્યમાં કોઈપણ એશિયન અમેરિકન સમુદાય સાથે ભેદભાવનો દર સૌથી વધુ છે. એટલા માટે આપણે આપણી આઝાદી માટે લડી રહ્યા છીએ.
હિન્દુ ફોર કાસ્ટ ઇક્વિટીનાં પૂજા રેને, આ બિલના પ્રથમ મોટા અવરોધને દૂર કર્યા પછી જણાવ્યું હતું કે જ્ઞાતિ ભેદભાવ ગેરકાયદે અને અન્યાયી છે. આ બિલ આપણને તમામને જ્ઞાતિની ભયાનકતામાંથી મુક્ત કરશે.
આ અંગે, પ્રોગ્રેસિવ કૌકસના ડેમોક્રેટિક ચેરમેન અમર શેરગિલે જણાવ્યું હતું કે, કેલિફોર્નિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ પ્રકારના ભેદભાવ અથવા હિંસાને સહન નહીં કરે. ઉલ્લેખનીય છે કે, આ બિલ ગત મહિને સેનેટર આયેશા વહાબ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા પ્રથમ મુસ્લિમ અને અફઘાન અમેરિકન મહિલા છે.
ઉત્તર અમેરિકામાં હિન્દુ મંદિરોની મુખ્ય સંસ્થા હિન્દુ ટેમ્પલ એક્ઝિક્યુટિવ કોન્ફરન્સ (HMEC), હિન્દુ બિઝનેસ નેટવર્ક (HBN) અને હિન્દુ પોલિસી રીસર્ચ એન્ડ એડવોકસી કલેક્ટિવએ આ બિલની ટીકા કરી હતી. એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના બોર્ડ મેમ્બર કલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે અમે બિલના સખત વિરોધમાં છીએ. અમે માનીએ છીએ કે આ બિલથી ભારતીય હોટલ્સ અને મોટેલ્સ પર પ્રતિકૂળ અસર ઊભી થશે.
જ્યારે એશિયન અમેરિકન શોપ ઓનર્સ એસોસિએશનના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે, આ બિલ અમેરિકામાં જ્ઞાતિ ભેદભાવના બનાવટી વર્ણન પર આધારિત છે. તેમણે કહ્યું કે, અમને ડર છે કે જો આ બિલ પસાર થશે તો નાના ઉદ્યોગો સામેના વ્યર્થ કેસોને પ્રોત્સાહન મળશે.
હિન્દુ ટેમ્પલ એક્ઝિક્યુટિવ કોન્ફરન્સનાં કન્વીનર તેજલ શાહે જણાવ્યું હતું કે, આ બિલના સમર્થક સંગઠનો અને લોકોએ હિન્દુ રિવાજો અને પરંપરાઓ પ્રત્યેની તેમની ધૃણાને ખૂબ જ સ્પષ્ટ કરી છે.