સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2015ના પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસાના એક કેસમાં ભાજપના નેતા હાર્દિક પટેલને જામીન મંજૂર કર્યા હતા. જોકે કોર્ટે શરત રાખી હતી કે હાર્દિક પટેલે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે.
સર્વોચ્ચ અદાલતે ધરપકડ સામે રક્ષણ આપવાના તેના અગાઉના આદેશને કાયમી બનાવ્યો હબતો. કોર્ટે જણાવ્યું હતું કે આ કોર્ટે ફેબ્રુઆરી 2020માં નોટિસ જારી કરી હતી અને વચગાળાનું રક્ષણ આપ્યું હતું. આ પછી સાડા ત્રણ વર્ષ વીતી ગયા છે. આ સંજોગોમાં અમને આ તબક્કે ઓર્ડર બદલવાનું કોઈ કારણ દેખાતું નથી. તેથી અરજદારને આપવામાં આવેલ વચગાળાનું રક્ષણ આગળની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. જોકે અરજદારે તપાસમાં સંપૂર્ણ સાથ આપવો પડશે.
અગાઉ 2020માં ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલની વચગાળાના જામીનની અરજી ફગાવી દીધી હતી. તેથી હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં રાહત માગી હતી.
હાર્દિક પટેલની આગેવાની હેઠળની પાટીદાર અનામત આંદોલન સમિતિએ સરકારી નોકરીઓમાં પાટીદારો માટે અનામતની માંગણી સાથે અમદાવાદમાં એક મેગા રેલીનું આયોજન કર્યું હતું. આ પછી ગુજરાતમાં ઠેરઠેર હિંસા ફેલાઈ હતી.