બોલિવૂડ અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યાના આશરે એક દાયકા પછી મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે શુક્રવારે તેના બોયફ્રેન્ડ અને ફિલ્મ સ્ટાર સૂરજ પંચોલીને આપઘાત માટે ઉશ્કેરણીના આરોપમાંથી મુક્ત કર્યો હતો. 25 વર્ષની જિયા ખાન, 3 જૂન, 2013ના રોજ મુંબઈમાં તેના જુહુના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી.
પોલીસે બાદમાં જિયાએ લખેલા છ પાનાના પત્રના આધારે સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી અને તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો. જિયાની માતા રાબિયા ખાને દાવો કર્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે.
કોર્ટે પુરાવાઓના અભાવે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સૂરજ વિરૂદ્ધ કોઈપણ પ્રકારનો કેસ નહીં બની શકે. 21 જૂન 2013ના રોજ સૂરજ પંચોલીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. પછી આખરે 1 જુલાઈ, 2013ના રોજ, અભિનેતાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
જિયા ખાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટરોએ જણાવ્યું કે અભિનેત્રીનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું. એટલે કે મૃત્યુ આત્મહત્યાના કારણે થયું હતું. સૂરજ પંચોલીના પિતા અને પ્રખ્યાત અભિનેતા આદિત્ય પંચોલીએ વર્ષ 2014માં જિયા ખાનની માતા રાબિયા ખાન વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. તે જ સમયે, વર્ષ 2016મા સીબીઆઈએ જિયા ખાનના મૃત્યુમાં હત્યાના એંગલને નકારી કાઢ્યો હતો. તેણે કહ્યું કે આ મૃત્યુ આત્મહત્યા છે. બીજી તરફ રાબિયા ખાને તેને હત્યા અને કાવતરું ગણાવ્યું હતું. ત્રણ ફિલ્મો કરી જિયાએ મોટી સિદ્ધિ મેળવી લીધી હતી. જોકે તેને ત્યારપછી અચાનક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.