મોદી સરનેમ અંગેના બદનક્ષીના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારવાનો મામલો બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. આ સજા પર સ્ટે આપવાનો નીચલી અદાલતે ઇનકાર કર્યો હોવાથી રાહુલ ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.આ અરજી પર આગામી દિવસોમાં સુનાવણી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ‘મોદી’ સરનેમના મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં રાહુલ ગાંધી વિરુદ્ધ પૂર્ણેશ મોદીએ સુરતમાં ફરિયાદ દાખલ કરી હતી.
૨૩મી માર્ચના રોજ સુરતના ચીફ મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો આદેશ કર્યો હતો. આ સજાના પગલે લોકસભાના સાંસદ તરીકે તેઓ ગેરલાયક ઠર્યા હતા. જોકે આ સજા સામે તેમને જામીન આપવામાં આવ્યા હતા અને આદેશને પડકારવા માટે ૩૦ દિવસની મુદત આપવામાં આવી હતી.
કોર્ટે આદેશમાં એવું અવલોકન પણ કર્યું હતું કે દેશની બીજી મોટી રાજકીય પાર્ટીના પ્રેસિડેન્ટ અને સાંસદ હોવાના નાતે રાહુલ ગાંધીને સમજી વિચારીને શબ્દોનો પ્રયોગ કરવો જોઇતો હતો. કેમ કે તેમના શબ્દોનો પડઘો મોટા વર્ગ ઉપર પડતો હોય છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટક ખાતેના એક ભાષણમાં તેમણે ‘મોદી’ સરનેમને લઇને વિવાદીત ટિપ્પણી કરી હતી. સમગ્ર મોદી સમાજની લાગણી આ વિવાદીત નિવેદનના લીધે ઘવાઇ હોવાનો દાવો કરાયો હતો. સુરતની કોર્ટે ટ્રાયલ પૂર્ણ કરી રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો અને એમને સમગ્ર મામલે દોષિત ઠરાવી બે વર્ષની સજા કરી હતી.