મોતની ધમકી મળ્યા પછી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે રાજ્યમાં અગાઉ માફિયા ડોન ખુલ્લેઆમ ફરતા હતા, પરંતુ હવે તેમના શાસન હેઠળ માફિયા ડોન જીવનની ભીખ માગી રહ્યાં છે.
ઉન્નાવમાં જાહેરસભાને સંબોધન કરતાં યોગીએ જણાવ્યું હતું કે 2017 પહેલા માફિયા ડોન અને ગુનેગારો ગર્વથી શેરીઓમાં ખુલ્લેઆમ ફરતા હતા. યુવાનો, મહિલાઓ અને વેપારીઓ તેમના ઘરની બહાર નીકળતા ડરતા હતા. દુકાનો સૂર્યાસ્ત પહેલા બંધ થઈ જતી અને બજારો ઉજ્જડ દેખાતાં હતાં. 2017 પછી બજારો મોડી રાત સુધી ખુલ્લી રહે છે. મહિલાઓ કોઈપણ ડર વગર ઘરની બહાર નીકળી શકે છે. હવે માફિયા ડોન અને ગુનેગારો તેમના જીવનની ભીખ માંગી રહ્યા છે.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં કોઈપણ માફિયા ડોન કે ગુનેગારો માટે કોઈ સ્થાન નથી. અહીં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ માટે પણ કોઈ સ્થાન નથી.સોમવારે યોગી આદિત્યનાથે સહારનપુરમાં શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી, જેમાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કોઈ કર્ફ્યુ નહીં, કોઇ દંગા નહીં, યુપી મેં સબ ચંગા’. અગાઉની સમાજવાદી પાર્ટીની સરકાર પર ગર્ભિત પ્રહાર કરતાં આદિત્યનાથે કહ્યું હતું કે “રંગદારી ના ફિરૌતી, અબ યુપી નહીં હૈ કિસી કી બાપૌતી”.