યુએસ કોર્ટે 2008ના ઘાતક મુંબઈ ત્રાસવાદી હુમલામાં સંડોવણી બદલ જેલમાં ગયેલા ઉદ્યોગપતિ તહવ્વુર રાણાની સ્ટેટસ ક્વો મોશન અરજી ફગાવી દીધી છે. તેની સાથે જણાવ્યું છે કે પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિનું ભારતને પ્રત્યાર્પણ કરવાનો નિર્ણય 30 દિવસમાં લેવાય તેવી આશા છે.
લોસ એન્જલ્સ કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જેકલીન કૂલિજેને જુન 2021ની છેલ્લી સુનાવણી હાથ ધરી હતી અને પેપરોનો સેટ જુલાઈ 2021માં ફાઇલ કર્યો હતો. કોર્ટે રાણાની ભારતને પ્રત્યાર્પણ કરવાની અમેરિકન સરકારની વિનંતીનો હજી સુધી જવાબ આપ્યો નથી.
62 વર્ષના રાણાના વકીલે ગયા મહિને મોશન અરજી દાખલ કરી હતી અને સ્ટેટસ ક્વો માટે જણાવ્યું હતું કે સ્ટેટસ ક્વોમાં કોર્ટ ફરિયાદ પક્ષ અને બચાવપક્ષને કેસની વિગતો અંગે ચર્ચા કરવા તથા બાર્ગેઇન કરવા આદેશ આપે છે.
આ અંગેની છેલ્લી અરજી 21 જુલાઈ 2021ના રોજ ફાઇલ કરવામાં આવી હતી. વકીલે જણાવ્યું હતું કે સમય પસાર થવાની સાથે અને રાણાએ ભોગવેલી સળંગ કેદને ધ્યાનમાં રાખતા કોર્ટ અને કાઉન્સેલ માટે તે યોગ્ય છે કે તે આ કેસના વર્તમાન દરજ્જા અંગે ચર્ચા કરે.
રાણાના વકીલનું સૂચન હતું કે સ્ટેટસ કોન્ફરન્સ 25 એપ્રિલના રોજ યોજવી જોઈએ. આમ છતાં કોર્ટે 17મી એપ્રિલના તેના આદેશમાં સ્ટેટસ કોન્ફરન્સની વાત ફગાવી દીધી હતી. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં અમને આ સમગ્ર કવાયત બિનજરૂરી લાગે છે અને તેનાથી કોર્ટને કોઈ મદદ નહી મળે. આ મુદ્દે કોઈ નવું ડેવલપમેન્ટ હોય તો પક્ષકારોએ કોર્ટ ચુકાદો આપે તે પહેલા તેના ધ્યાન પર લાવવું જોઈએ. તેથી વકીલોને સૂચના છે કે તેઓ સાત દિવસની અંદર જોઇન્ટ સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરે.
કોર્ટની સુનાવણી દરમિયાન ફેડરલ પ્રોસીક્યુટરોએ દલીલ કરી હતી કે રાણાને તેનો બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલી લશ્કર-એ-તૈયબા (એલઇટી) સાથે જોડાયેલો હોવાની માહિતી હતી. તેમણે હેડલીને મદદ કરી હતી અને તેની પ્રવૃત્તિઓને કવર પૂરુ પાડ્યુ હતુ. તેઓ ત્રાસવાદી સંગઠન અને તેના સહયોગીઓને સમર્થન પૂરુ પાડતા હતા. રાણા હેડલીની બેઠકો અંગે અને તેના હુમલાઓના આયોજન અંગે તથા તેના કેટલાક ટાર્ગેટ્સ અંગે જાણતા હતા. અમેરિકન સરકારનું ભારપૂર્વક કહેવું છે કે રાણા કાવતરાનો હિસ્સો જ હતો અને કદાચ તેણે આ રીતે ત્રાસવાદી કૃત્યનો હિસ્સો બનીને અત્યંત મોટો ગુનો કર્યો છે.
રાણાના એટર્નીએ પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો. 2008નો મુંબઈ હુમલો એલઇટીના ત્રાસવાદીઓએ કર્યો હતો. તેમા છ અમેરિકન સહિત 166ના મોત થયા હતા. ફેડરલ પ્રોસીક્યુટરોનું કહેવું છે કે આ કાવતરામાં જોડાયેલા સભ્યો તેમના કૃત્યના લીધે લોકોના જીવ જશે તેનાથી પૂરેપૂરા માહિતગાર હતા અને આમ છતાં પણ તેમણે તેને અંજામ આપ્યો તે જોતાં તેની ગંભીરતા વધી જાય ચે.
રાણા જાણતો હતો કે હેડલી ત્રાસવાદીઓ માટે અને એલઇટી તથા અન્ય કાવતરાખોરો માટે કામ કરે છે, જે મુંબઈ માટેના હુમલાનું આયોજન કરતા હતા. તે હુમલો ક્યાં થવાનો છે તે પણ જાણતો હતો, તેમા તાજ મહેલ પેલેસ હોટેલ અને તેના બીજા માળ સુદ્ધાની જાણકારીનો સમાવેશ થાય છે, કારણ કે તેણે લોકેશનની ચર્ચા કરી હતી. રાણા સમજતો હતો કે હેડલીને મદદ કરી અને તેની મુંબઈ સ્થિતિ ઇમિગ્રેશનની ઓફિસનો ઉપયોગ તેના કવર તરીકે કર્યો હતો. આ કારણે એલઇટી તથા અન્ય ત્રાસવાદીઓ હુમલો કરી શક્યા હતા. હેડલી દુબઈ, યુએઈમાં રાણાને સહકાવતરાખોર તરીકે મળ્યો હતો અને આગામી હુમલા અંગે ચેતવણી આપી હતી. તેથી રાણા ચોક્કસપણે શું થવાનું છે તે જાણતો હતો, એમ ફેડરલ પ્રોસીક્યુટરોએ જણાવ્યું હતું.