અમેરિકાની સરકારના આંકડા અનુસાર,ફેબ્રુઆરી 2019થી માર્ચ 2023ના ગાળામાં બોર્ડર ક્રોસ કરી ગેરકાયદે રીતે અમેરિકા ઘૂસવાના પ્રયાસમાં 1.49 લાખ ભારતીયો પકડાયા છે. મેક્સિકો તેમજ કેનેડાની બોર્ડર પરથી થયેલા ઘૂસણખોરીના અલગ-અલગ 2,663 પ્રયાસોમાં આ લોકો અમેરિકામાં ગેરકાયદે રીતે દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમેરિકામાં દર વર્ષે લાખો લોકો બોર્ડર ક્રોસ કરી ઘૂસવાનો પ્રયાસ કરે છે,જેમાં ભારતીયોનું પ્રમાણ માત્ર બે ટકા જેટલું જ છે.
આ ત્રણ વર્ષ દરમિયાન બોર્ડર પરથી જેટલા લોકો પકડાયા હતા તેમાં સૌથી વધુ 21 લાખ લોકો મેક્સિકોના હતા,જ્યારે 6.42 લાખ હોન્ડુરાસના હતા,જ્યારે ગ્વાન્ટેમાલાના 6.37 લાખ અને ક્યૂબાા 4.06 લાખ લોકો અમેરિકામાં ઘૂસતા પકડાયા હતા. આ તમામ દેશો અમેરિકાની આસપાસ આવેલા છે,
ડિંગુચા કેસ બાદ પણ બે નંબરમાં અમેરિકા જતાં લોકોની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો આવ્યો આવ્યો હોવાનું પણ આ આંકડાથી જાણવા મળે છે. જાન્યુઆરી 2022માં જ 5,459 જેટલા ભારતીયો અમેરિકામાં ઘૂસવા જતાં પકડાયા હતા,જેમાંથી 708 કેનેડા બોર્ડર પરથી ઝડપાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે જાન્યુઆરી 2023માં આ આંકડો 36 ટકા વધીને 7,421 પર પહોંચી ગયો હતો,જેમાંથી 2,478 કેનેડા બોર્ડર પરથી પકડાયા હતા. હજુ 29 માર્ચ 2023ના દિવસે જ અમેરિકા જવાના પ્રયાસમાં કેનેડા બોર્ડર પર મહેસાણાના પ્રવીણ ચૌધરીના આખા પરિવારનું સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. માર્ચ મહિનામાં જ અમેરિકાની પોલીસે બોર્ડર ક્રોસ કરી ઘૂસણખોરી કરતા 9,648 ભારતીયોને પકડ્યા હતા,જેમાંથી કેનેડા બોર્ડર પરથી પકડાયેલા લોકોની સંખ્યા 2,289 હતી.
અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશી ગયેલા ભારતીયો મોટી સંખ્યામાં પકડાતા હોય છે,પરંતુ તેમાંથી અમુક લોકોને જ ડિપોર્ટ કરાય છે જ્યારે બાકીના લોકોને માનવતાના ધોરણે ત્યાં રહેવાની અનુમતિ આપવામાં આવતી હોય છે. જે ભારતીયો પકડાતા હોય છે તેમાંના મોટાભાગના ગુજરાતી અને પંજાબી હોય છે,જે અમેરિકા કાયમ માટે સેટલ થઈ જવાના પ્લાન સાથે જ આ જોખમી પ્રવાસ બાદ બોર્ડર ક્રોસ કરી અમેરિકા પહોંચે છે.