ઈંગ્લેન્ડના ઓવલ ખાતે આગામી તા. 7 થી 11 જુન સુધી રમાનારી વર્લ્ડ ટેસ્ટ મેચ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત સોમવારે (24 એપ્રિલ) કરાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ મેચમાં અનુભવી ટેસ્ટ બેટ્સમેન અજિંક્ય રહાણેને પાછો બોલાવાયો છે, તો સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને કુલદીપ યાદવને તક મળી નથી. શ્રેયસ ઐયર પીઠની ઈજા અને સર્જરીના કારણે રમી શકે તેમ નહીં હોવાથી તેના સ્થાને રહાણેને તક મળી હોવાનું સમજાય છે. રહાણે હાલમાં રમાઈ રહેલી આઈપીએલમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે.
ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. ગયા વર્ષે ફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. એ પછી, જો કે એ પછી ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર દેખાવ કર્યો હતો. પોઈન્ટ ટેબલમાં તે ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે.
ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે. એલ. રાહુલ, કે. એસ. ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.