૨૦૨૨માં વિશ્વનો લશ્કરી ખર્ચ ૨.૨૪ ટ્રિલિયન ડોલરની સવોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ખાસ કરીને રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે યુરોપના મિલિટરી ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો હતો. ગયા વર્ષે શસ્ત્રો પાછળ ખર્ચ કરનાર ટોપ-૩ દેશ અમેરિકા, ચીન અને રશિયા હતા. વિશ્વના કુલ મિલિટરી ખર્ચમાં આ ત્રણ દેશોનો હિસ્સો ૫૬ ટકા હતો.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (SIPRI)ના જણાવ્યા અનુસાર “ગયા વર્ષે વૈશ્વિક સ્તરે ખર્ચ ૩.૭ ટકા વધ્યો હતો, પણ યુરોપના લશ્કરી ખર્ચમાં ૧૩ ટકા વધારો નોંધાયો હતો. યુક્રેનને લશ્કરી સહાય અને રશિયાના વધતા જોખમની લશ્કરી ખર્ચ પર અસર થઈ છે.”
SIPRIના લશ્કરી ખર્ચ અને શસ્ત્ર ઉત્પાદન કાર્યક્રમના રિસર્ચર નેન ટિયાને જણાવ્યું હતું કે, “લશ્કરી ખર્ચમાં વૃદ્ધિ સૂચવે છે કે વિશ્વ વધુને વધુ અસુરક્ષિત બની રહ્યું છે.” ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર રશિયાના હુમલા પછી ઘણા દેશોએ લશ્કરી ખર્ચમાં મોટો વધારો કર્યો છે. જેમકે, રશિયા નજીકના દેશો ફિનલેન્ડના લશ્કરી ખર્ચમાં ૩૬ ટકા, લિથુઆનિયામાં ૨૭ ટકા, સ્વિડનમાં ૧૨ ટકા અને પોલેન્ડમાં ૧૧ ટકા વધારો નોંધાયો છે. SIPRIના રિસર્ચર લોરેન્ઝો સ્કેરાઝાટોએ જણાવ્યું હતું કે, “ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર હુમલાની સીધી અસર લશ્કરી ખર્ચ પર થઈ હતી. જોકે, રશિયાના હુમલાની મિલિટરી ખર્ચ પર અસર લાંબો સમય સુધી રહેવાની શક્યતા છે.”
SIPRIના જણાવ્યા અનુસાર “રશિયાએ પણ તેના લશ્કરી ખર્ચમાં વધારો કર્યો છે. તે ૨૦૨૨માં લગભગ ૯.૨ ટકા વધીને ૮૬.૪ અબજ ડોલર થયો હતો, જે રશિયાની ૨૦૨૨ની જીડીપીના ૪.૧ ટકા થાય છે.